ફરિયાદ:રૂ. 8.40 કરોડની જમીન પેટે માત્ર 21.47 લાખ ચૂકવી બાકીના 8.18 કરોડ ન ચૂકવ્યા

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટડીના નાવિયાણીમાં ખેડૂતની જમીન પર 8.18 કરોડની છેતરપિંડીની 8 સામે ફરિયાદ

પાટડીના નાવિયાણીમાં ખેડૂતની જમીન પર રૂ. 8.18 કરોડની છેતરપિંડીની 8 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. જેમાં નાવિયાણીના ખેડૂત પાસેથી રૂ. 8.40 કરોડની જમીન પેટે માત્ર રૂ. 21,47,000 ચૂકવી બાકીના રૂ. 8,18,53,000 ન ચૂકવવાની સાથે દસ્તાવેજમાં સહી કરાવી લેતા પાટડી પોલીસમાં દલાલ સહિત 8 સામે ફરિયાદ નોંધાવાઈ છે.

પાટડી તાલુકાના નાવિયાણી ગામના જેરામભાઇ જીવાભાઇ મરેડિયાએ પાટડી પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ નાવિયાણી ગામની સીમ જમીનમાં મલ્લા પાસે આવેલું માંડલિયાનું ખેતર જેનો સરવે નંબર 785વાળું આશરે 8 વીઘાનું ખેતર આવેલું છે. જે ખેતર બાબતે અમદાવાદના રાજુભાઇ ગોવિંદભાઇ મકવાણા એમની પાસે એક પાર્ટીને સાથે લઇને આવ્યા હતા.

જેમણે આ જમીન એક વીઘાના રૂ. 1.05 કરોડમાં વેચાણની વાત કરી હતી. રૂ. 10 લાખ બાના પેટે આપ્યા હતા અને આ અંગેની કાચી ચિઠ્ઠી કરી હતી. અને આ જમીન 1 વર્ષમાં પૂરતા નાણા આપી વેચાણ દસ્તાવેજ કરવાની વાત કરી હતી. ત્યારબાદ આજથી 2 માસ અગાઉ રાજુભાઇ મકવાણા મારી પાસે આવ્યા હતા. અને પાર્ટીને રૂપિયાનો બંદોબસ્ત ન થતાં દસ્તાવેજ કરવાની ના પાડે છે. આથી હું બીજી પાર્ટી લાવીશ એમ કહી આજથી એકાદ માસ પહેલા બીજી પાર્ટી સાથે એ જ ભાવમાં સોદો કરાવી મારા ખાતામાં રૂ. 25 લાખ નાંખવાનું જણાવી પાક ધિરાણ ભરી દેવાનું કહી 2 દિવસમાં દસ્તાવેજ કરી લેવાનું જણાવવામાં આવ્યું હતું.

ખાતામાં તપાસ કરતા ખાતામાં રૂ. 10,73,500 જમા થયા હતા. રાજુભાઇનો ફોન આવેલો કે કાલે દસ્તાવેજ કરવાનો છે તમે પાટડી સબ રજિસ્ટ્રાર કચેરીએ આવી જજો ત્યાં તમને બાકીનું પેમેન્ટ રોકડા મળી જશે. આથી હું, મારી માતા, પત્નિ અને બાળકો પાટડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહોંચતા અને બાકીના પેમેન્ટ અંગેનું પૂછવામાં આવતાં એમણે ગાડીમાં પડેલા 3 થેલા બતાવ્યા હતા. અહીં સીસીટીવી કેમેરા લગાવેલા હોવાનું જણાવી થેલા ખોલીને ન બતાવતા અમે વિશ્વાસના આધારે દસ્તાવેજમાં સહી કર્યા બાદ એ લોકો ચા પીવાનું કહીને પરત ન આવતા અને ફોન પણ ન ઉપાડતા અમે પાટડી પોલીસ મથકે દલાલ સહિત 8 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

8 સામે ફરિયાદ

  • ગૌરાંગભાઇ પટેલ - સાયન્સ સીટી, અમદાવાદ
  • કૌશિકભાઇ પટેલ - વિરમગામ (અમદાવાદ)
  • રાજુભાઇ મકવાણા- અમદાવાદ
  • અશ્વીનભાઇ ચુંથાભાઇ રબારી- ફુલેત્રા (કડી) મહેસાણા
  • ગફુલભાઇ રબારી- રકનપુર (કલોલ) ગાંધીનગર
  • મૌલેશભાઇ ભરવાડ- સાણંદ
  • ધીરૂભાઇ ગોકાભાઇ ભરવાડ- જુડા (સાણંદ) અમદાવાદ
  • અજયભાઇ શુકલા- લુણાસણ (કડી) મહેસાણા​​​​​​​
અન્ય સમાચારો પણ છે...