ટેક્સ વસૂલવા બાકીદારોને નોટિસ:રૂ. 2.48 કરોડનો બાકી ટેક્સ વસૂલવા 250થી વધુ બાકીદારોને નોટિસ

પાટડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટડી નગરપાલિકાના કોમ્પ્લેક્સના દુકાન ભાડાના 50થી વધુ બાકીદારને પણ નોટિસ

પાટડી નગરપાલિકાના રૂ. 2.48 કરોડનો બાકી ટેક્સ વસુલવા 250થી વધુ બાકીદારોને નોટીસ ફટકારાતા બાકીદારોમાં દોડધામ મચી જવા પામી છે. જેમાં બાકીદારો સામે મિલ્કત જપ્તી,કનેક્શન કાપવા,બોર્ડમાં નામ જાહેર કરવા સહીતની કાર્યવાહીથી પાલિકાની બાકીદારો સામે લાલ આંખ કરી છે.

પાટડી નગરપાલિકાના કોમ્પ્લેક્ષના દુકાન ભાડાના 50થી વધુ બાકીદારોને પણ નોટીસ ફટકારાઇ છે. પાટડી નગરપાલિકા દ્વારા શહેરમા બાકીદારો સામે પાલિકાએ બાંયો ચડાવી છે. તાજેતરમાં પાલિકા દ્વારા રૂ. 2.48 કરોડના બાકી ટેક્સ વસુલવા 250થી વધુ બાકીદારોને નોટીસ આપી હતી. અત્યાર સુધીમાં કુલ રૂ. 355 લાખ સામે રૂ. 106 લાખની વસુલાત થયી છે.જેથી પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ તથા પ્રમુખ મૌલેશ પરીખના માર્ગદર્શન હેઠળ ટેક્ષ ઇન્સ્પેકટર નીરવ સુથાર દ્વારા અલગ અલગ ડોર ટુ ડોર વસુલાત માટેની કુલ આઠ ટીમો બનાવી વસુલાતની કાર્યવાહી કરવામા આવી છે.

ગત વર્ષે પાટડી નગરપાલિકા દ્વારા બાકીદારોના નામ મેઈન બજારમા બોર્ડ પર જાહેર કર્યા હતા. તે મુજબ આ વર્ષે પણ બાકીદારોના નામ મેઈન બજારમાં બોર્ડ પર જાહેરમાં ટૂંક સમયમાં કરવામાં આવશે એવી પણ ચિમકી પાટડી નગરપાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.આ અંગે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાટડી નગરપાલિકા દ્વારા નગરમાં આવેલા વોર્ડ નં 1 થી 6માં પ્રાથમિક સુવિધા જેવી કે, રોડ રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા વેરા વસુલ કરવામાં આવે છે.

આથી નગરપાલિકા દ્વારા રૂપિયા 10,000થી વધુના બાકીદારો સામે કડક વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને વેરો ન ભરતા ઈસમો સામે નગરપાલિકા અધિનીયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પાટડી નગરપાલિકાની વેરા બાકીદારો સામે લાલ આંખ કરાતા વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...