શિક્ષણની અનોખી પદ્ધતિ:પાટડીના શિક્ષકે થર્મોકોલની શીટમાં મૂળાક્ષર, બંગડી દ્વારા મૂળાક્ષર ઓળખવાની પદ્ધતિથી બાળકોની રુચિ વધારી

પાટડી23 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
  • કૉપી લિંક
  • શિક્ષણની અનોખી પદ્ધતિથી સરકારી શાળામાં બાળકોની 100 % હાજરી નોંધાઇ

પાટડી તાલુકાના સડલા ગામના સરકારી શાળાના અનોખા શિક્ષકે કોરોના સમયે રમતા ભણો, ગણતા ભણોની શેરી શિક્ષણથી બાળકોમાં શિક્ષણની રૂચિ વધારી હતી. હવે આ સરકારી શિક્ષકે થર્મોકોલની સીટમાં મૂળાક્ષર અને બંગડી દ્વારા મૂળાક્ષર ઓળખવાની અનોખી પધ્ધતિથી ગામડાના બાળકોને સરકારી શાળામાં ભણવાનું વળગણ લગાડ્યું છે. સાથે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની સાથે બાળકોની 100 % હાજરી નોંધાઇ છે.

કોરોનામાં પણ બાળકોને શિક્ષણમાં રૂચી વધારી
કોરોનાના 2 વર્ષના કપરા સમયગાળામાં ટાંચના સંશોધનો અને અગવડતાઓ વચ્ચે પણ પાટડી તાલુકાના ખોબા જેવડા સડલા ગામના નવઘણભાઇ ઠાકોરે લંગડીને રમતને શિક્ષણ સાથે અદભૂત રીતે સાંકળીને મેદાનમાં ખાના બનાવી લંગડીની રીતથી બાળકોને મૂળાક્ષરો શિખવ્યા અને ગળામાં લટકાવવાના કાર્ડ બનાવી કોરોનામાં પણ બાળકોને શિક્ષણમાં રૂચી વધારી હતી.

બાળકોને સરકારી શાળામાં ભણવાનું વળગણ લગાડ્યું
હાલમાં તમામ સરકારી શાળાઓ રાબેતા મુજબ ધમધમતી થઇ છે ત્યારે આ આદર્શ શિક્ષક નવઘણભાઇ ઠાકોરે થર્મોકોલની સીટમાં મૂળાક્ષર અને બંગડી દ્વારા મૂળાક્ષર ઓળખવાની અનોખી પધ્ધતિથી ગામડાના બાળકોને સરકારી શાળામાં ભણવાનું વળગણ લગાડ્યું છે. અને સાથે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની સાથે બાળકોની 100 % હાજરી પણ નોંધાઇ છે. હાલમાં શડલા ગામના બાળકો રવિવારે રજાના દિવસે પણ વાલીઓ પાસે શાળાએ જવાની જીદ કરે છે.

રમત સાથે શિક્ષણ આપવાથી મને મારા વર્ગનું સારું એવું પરિણામ મળ્યું
એક દિવસ મારા મનમાં વિચાર આવ્યો કે, બાળકો ઝડપી મૂળાક્ષર કઇ રીતે શીખી શકે ? બાળકોને રમતોનો ખૂબ શોખ હોય છે. જેથી આપણે પ્રાચિન રમતો જેવી કે, આંધળો પાટો અને લંગડી જેવી રમત રમાડી મૂળાક્ષર શીખવ્યા. જ્યારે આંધળો પાટો રમતમાં એકમ પ્રમાણે કાર્ડ બનાવી બાળકોના ગળામાં લટકાવ્યા અને કોઇ એક બાળકની આંખે પાટો બાંધી તે બાળક બીજા બાળકોને પકડવા જાય. તેને પકડીને ગળામાં રહેલા કાર્ડને ઓળખી બતાવે અને મોટેથી બોલે ‘જ’ અને બીજા બાળકો તે મૂળાક્ષર બોલશે. આજ રીતે બીજા બાળકોને પાટો બાંધી રમત રમાડી મૂળાક્ષરની ઓળખ કરાવી. આમ, આ રમતથી બાળકો ઝડપી મૂળાક્ષર સમજી શક્યા. આમ, રમત સાથે શિક્ષણ આપવાથી મને મારા વર્ગનું સારું એવું પરિણામ મળ્યું. - નવઘણભાઇ ઠાકોર, મદદનીશ શિક્ષક, સડલા પ્રાથમિક શાળા

અન્ય સમાચારો પણ છે...