સુકાભટ્ટ રણકાંઠાની વેરાન અને બંજર જમીનમાં લિલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી બાબત છે. ત્યારે પાટડીની સૂકી ધરામાં મુખ્યમંત્રીના હસ્તે 7500 રોપાઓનું વાવેતર કરી હરીયાળી ક્રાંતિની પરીકલ્પના સાકાર કરાશે. જેમાં જે સોસાયટી 200 રોપાઓને દત્તક લઇ ઉછેર કરશે એને પાલિકા દ્વારા મફત નળ કનેક્શનની સુવિધા આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવશે. આગામી 16મી જૂન ગુરૂવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિવિધ યોજનાના લોકાર્પણ માટે પાટડી આવ્યા રહ્યાં છે.
ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા એ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટડી નગરપાલિકા દ્વારા નગરજનો અને તાલુકા વહિવટી તંત્રના સહયોગથી પાટડીના વિવિધ વિસ્તારોની સોસાયટીઓમાં, મંદિરોમાં, મોક્ષધામમાં અને વિવિધ વિસ્તારોના રસ્તામાં વડ, પીપળ, લીંબડો, ગુલમહોર, સરગવો, કણજી અને લીંબડી સહિતના રોપાઓનું વાવેતર કરવામાં આવશે.સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની સૂચનાથી વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ 7500 રોપાઓનું પાટડી નગરપાલિકાને વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં નગરપાલિકા દ્વારા રીક્ષામાં માઇક દ્વારા પાટડીના વિવિધ વિસ્તારોમાં આ અંગેની જોરશોરથી જાહેરાત કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.