અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિને માંડ બે દિવસ જ બાકી છે. ત્યારે આ મહોત્સવમાં છેલ્લા બે મહિનાથી રૂ. 300 કરોડના ખીરસરા હેરીટેજ પેલેસના માલિક સલામતીની સેવામાં આખી રાત પોતાની થાર ગાડીમાં પેટ્રોલિંગ કરવાની સાથે ડોરકીપરની પણ સેવા બજાવે છે, જ્યારે એમના પત્ની પણ બે મહિનાથી મહિલા સલામતી સેવામાં, જ્યારે નવ વર્ષની માસૂમ દીકરી પાણીની પરબમાં સેવા બજાવે છે. વધુમાં આ યુવાન 1994-95માં અન્ડર 19માં ભારત તરફથી અને સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફી ક્રિકેટ મેચ પણ રમી ચૂક્યા છે.
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની મુલાકાત લેતા ડોર પર જ અંદાજે છ ફૂટનો યુવાન ડોર કીપર તરીકે સૌને આવકારતો નજરે પડે છે. 45 વર્ષના આ યુવાનનું નામ મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાણા છે. તે અહીં છેલ્લા બે મહિનાથી સલામતીની સેવામાં આખી રાત પોતાની થાર ગાડીમાં પેટ્રોલિંગ કરવાની સાથે ડોરકીપરની પણ સેવા બજાવે છે. જ્યારે એમના પત્નિ કોશલ્યાબા રાણા પણ મહિલા સલામતી સેવામાં ફરજ બજાવે છે. જ્યારે એમની માત્ર નવ વર્ષની માસૂમ દીકરી ક્રિષ્નાબા રાણા પણ પાણીની પરબમાં સેવા બજાવે છે.
માતાએ પ્રમુખ સ્વામીને 15 વર્ષ રોટલા-શાક જમાડ્યા
પ્રમુખ સ્વામી મહારાજ દર દિવાળીએ 25 દિવસ ગોંડલમાં જ રોકાણ કરતા હતા. ત્યારે એમની માતા ઇન્દ્રાબા પ્રવિણસિંહ રાણા પ્રમુખ સ્વામી જ્યારે જ્યારે ગોંડલ આવતા ત્યારે સતત 15 વર્ષ સુધી બાજરીના રોટલા અને ઢોકરીનું શાક જમાડ્યા હતા.
મોટાભાઇએ સાડા ત્રણ વર્ષ સ્વામીની અંગત કાર ચલાવી
મહેન્દ્રસિંહ રાણાના મોટા ભાઇ નરેન્દ્રસિંહ રાણાએ સાડા ત્રણ વર્ષ સુધી પ્રમુખ સ્વામીની અંગત કાર ચલાવી હતી. જ્યારે બીજા મોટાભાઇ વિક્રમસિંહ રાણા ઇન્ડિયન આર્મીમાં હતા. તેઓ પ્રમુખ સ્વામી મહારાજની ગાડીનું એસ્કોટીંગ કરતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.