ગુજરાતનાં છેવાડાના માનવી તરીકે ઓળખાતી અગરિયા મહિલાઓ માટે સોનાનો સૂરજ ઊગ્યો છે. હવે રણમાં મીઠું પકવતી અગરિયા મહિલાઓ સોલાર સ્ટેન્ડ પર રસોઇ બનાવશે. મુંબઇના યુવાનની ક્રાંતિકારી શોધથી રણમાં રસોઇ માટે સોલાર સ્ટેન્ડ લગાવી રસોઇ બનાવવામાં આવી હતી. જો કે ઉનાળાની રેતની આંધીમાં કોઈ સમસ્યા નહીં સર્જાય તો આગામી વર્ષોમાં રણમાં આવા 400 જેટલા સોલર સ્ટેન્ડ જોવા મળશે.
કચ્છના નાના અને વેરાન રણમાં રણકાંઠાના અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષે પોતાના પરિવારજનો સાથે વર્ષના આઠ મહિના ધોમધખતા તાપમાં અને ગાત્રો થીજાવતી ઠંડીમાં "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવવાનું આકરૂ કામ કરે છે. ત્યારે રાત-દિવસ 24 કલાક ખારા પાણીમાં મીઠું પકવવાની કામગીરી કરતી અગરિયા મહિલાઓ માટે રણમાં ઉડતી ધૂળની ડમરીઓ વચ્ચે ચૂલામાં રસોઇ બનાવવી એ ખૂબ સમસ્યાલક્ષી બાબત હતી.ત્યારે મુંબઇ સ્થાયી અમોઘ સહજે એક ઇનોવેટર છે. તેના દ્વારા આ સોલર સ્ટેન્ડ બનાવીને કચ્છના નાના રણમાં મૂકવામાં આવ્યું છે.
ઘણા બધા નાના અરીસાઓમાં ઝીલાતો સૂર્યના કિરણો પરિવર્તિત થઈ રસોઈના વાસણ નીચે કેન્દ્રિત થઈને પુષ્કળ ગરમી પેદા કરે છે. અને આ ગરમીને કારણે એ વાસણમાં રસોઈ બનાવી શકાય છે. જ્યારે આ શોધ અંગે અમોઘ સહજેના જણાવ્યા મુજબ આવિ રીતે સુદાનમાં 300 સોલર સ્ટેન્ડ સફળતા પૂર્વક કામ કરે છે. જ્યારે આ અંગે રણમાં મીઠું પકવતા અગરિયા મહિલા સમજુબેનના જણાવ્યા પ્રમાણે આનાથી ખીચડી, ભાત, દાળ અને શાક સારી રીતે થાય છે. રણની વિષમ આબોહવામાં આ સ્ટેન્ડ કેવા કામ કરે છે ? તેની ચકાસણી અને મોનીટરીંગ કરવામાં આવ્યું છે.
જેમાં પ્રારંભિક રિપોર્ટ અગરિયા ગૃહિણી તરફથી સારા મળી રહ્યા છે. જો કે ઉનાળાની રેતની આંધીમાં કોઈ સમસ્યા નહીં સર્જાય તો આગામી વર્ષોમાં રણમાં આવા 400 જેટલા સોલર સ્ટેન્ડ જોવા મળશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.