ગઢમાં ગાબડું પડે તેવી સ્થિતિ:કૉંગ્રેસના કર્યા નૌશાદને વાગ્યા! ધ્રાંગધ્રાથી ટિકિટ ન અપાતાં નારાજ ઠાકોર નેતા ભાજપમાં જોડાયા

પાટડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટડીની સભામાં નટુજી ઠાકોરે ખેસ પહેર્યો

મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પણ ‘ભાજપ પ્રવેશ’ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. કૉંગ્રેસનો ગઢ ગણાતી દસાડા વિધાસનભા બેઠકમાં આ વખતે પણ નૌશાદ સોલંકી રીપીટ કરાયા છે, સામે ભાજપે પહેલી વાર સ્થાનિક ઉમેદવાર પી. કે. પરમારને ઊભા રાખ્યા છે. આમ છતાં જિલ્લા પંચાયતમાં 2 ટર્મથી ચૂંટાતા કૉંગ્રેસી આગેવાન અને ઠાકોર નેતા શનિવારે ભાજપમાં જોડાયા હતા. સાથેસાથે હજારો કાર્યકરોને પણ ભગવો પહેરાવી દીધો છે. આ રાજકીય વળાંકથી કૉંગ્રેસના સોલંકીને ચોક્કસપણે નુકસાન થાય, તેવી શક્યતા રાજકીય પંડીતો વ્યક્ત કરી રહ્યા છે.

કારણ કે, આ બેઠક પર ઠાકોરોનું પ્રભુત્વ છે. અહીં 65 હજાર ઠાકોર મતદારો છે અને હવે આ મતદારો ભાજપ તરફી મતદાન કરે, તેવી શક્યતા અસ્થાને નથી. પાટડીના વિજય ચોકમાં શનિવારે સાંજે ભાજપના ઉમેદવાર પી. કે. પરમારની સભા યોજાઈ હતી. સભામાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરજંન જ્યોતિજી ઉપરાંત દિલીપ પટેલ, નગરપાલિકા પ્રમુખ મૌલેશ પરીખ અને તાલુકા પંચાયત પ્રમુખ ધવલ પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં ઠાકોર નેતા નટુજી ઠાકોરને ભગવો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવાયો હતો. આ સાથે પાટડી તાલુકા કૉંગ્રેસના ઓબીસી પ્રમુખ પદેથી રાજીનામું આપનારા સામાજિક કાર્યકર જીગરજી ઠાકોર, ઠાકોર સેનાના પાટડીના મહામંત્રી નરેશજી ઠાકોર, સામાજિક કાર્યકર અજમલજી ઠાકોર, દશાડા યુવા ઠાકોર સમાજના અગ્રણી અને રામામંડળ સમિતિના પ્રમુખ સુરેશજી ઠાકોર ઉપરાંત 1 હજારથી વધુ કૉંગ્રેસી ભાજપમાં જોડાયા હતા.

ગઢમાં ગાબડું પડે તેવી સ્થિતિ
આ ચૂંટણીમાં દસાડા બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. આ સ્થિતિમાં આયાતીને સાચવવા જતાં કૉંગ્રેસના ગઢમાં જ ગાબડું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આંતરિક સૂત્રોના કહેવા પ્રમાણે કૉંગ્રેસે ધ્રાંગધ્રા બેઠક માટે ઠાકોર નેતા નટુજી ઠાકોરને ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. નટુજી 2 ટર્મથી જિલ્લા પંચાયતની ખારાઘોડા બેઠક પર ભાજપના દિગ્ગજ ઉમેદવારોને હરાવીને વિજેતા બન્યા છે. દસાડા તાલુકાના ઘાસપુર ગામના ઠાકોર નેતાને ટિકિટ આપીને દસાડાના 65 હજાર ઠાકોર મત અંકે કરવાનું કૉંગ્રેસનું ગણિત હતું પરંતુ છેલ્લી ઘડીએ ભાજપે ધ્રાંગધ્રામાં પ્રકાશ વરમોરાને ટિકિટ આપતાં છત્રસિંહ નારાજ થઈને કૉંગ્રેસમાં જોડાયા અને ટિકિટ પણ આપી દીધી.

અન્ય સમાચારો પણ છે...