વારસો:ખારાઘોઢા નવાગામના 650થી વધુ મકાનો 125 વર્ષે પણ અડીખમ

પાટડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખારાઘોઢા નવાગામમાં અંગ્રેજો દ્વારા બનાવાયેલા બેનમૂન મકાનો અને એ મકાનોમાં અંગ્રેજોએ મુકેલી તકતી નજરે પડે છે. - Divya Bhaskar
ખારાઘોઢા નવાગામમાં અંગ્રેજો દ્વારા બનાવાયેલા બેનમૂન મકાનો અને એ મકાનોમાં અંગ્રેજોએ મુકેલી તકતી નજરે પડે છે.
  • લાકડાના માળખા બનાવી બાદમાં દીવાલ બનાવી હોવાથી દીવાલને નુકશાન થાય પણ મકાનોને નુકશાન થતું નથી

આઝાદી પહેલા બ્રિટિશ હુકુમત સમયે સને 1872માં અંગ્રેજોએ ખારાઘોઢા રણમાં મીઠું પકવવાની શરૂઆત કરી હતી. અને એ સમયે અંગ્રેજો દ્વારા મીઠા પર ટેક્સ વસુલવામાં આવતો હતો. એ સમયગાળામાં અંગ્રેજોએ ખારાઘોઢામાં લાઇનબદ્ધ 650થી વધુ મકાનો બનાવવામાં આવ્યા હતા. જેમાં 7 ભવ્ય બંગલાઓનો પણ સમાવેશ થતો હતો. અને આ ગામને ખારાઘોઢા “નવાગામ” એવું નામ આપવામાં આવ્યું હતું. આ મકાનોની ખાસિયત એ છે કે, આજથી અંદાજે સવાસો વર્ષ અગાઉ આ મકાનોને લાકડાના માળખા બનાવી એને લોખંડની ગડરો પર ગોઠવી બાદમાં દીવાલો ઊભી કરાઈ હતી. 2001માં આવેલા વિનાશક ભૂંકપમાં આ મકાનોની કાંકરી સુધ્ધા ખરી નથી. વધુમાં દેશી નળિયાવાળા આ મકાનોમાં છતની ઉપર ખુલ્લી બારી મુકેલી હોવાથી આ મકાનો આકરા ઉનાળાની 50 ડિગ્રી ગરમીમાં પણ એસીની ગરજ સારે છે.

આજેય આ મકાનોમાં તકતીઓ લાગેલી યથાવત્ છે
650થી વધુ મકાનોમાંથી કેટલાક મકાનોમાં એ મકાનો ક્યા અંગ્રેજ અમલદારે કઇ સાલમાં બનાવ્યાં એની તકતીઓ લાગેલી છે. વધુમાં આ મકાનોની રચના એટલી અફલાતુન હતી કે, મકાનોના એક છેડેથી બેટરીની લાઇટ કરો તો બીજા છેડા સુધી એનું અજવાળું દેખાઇ આવે છે.

અંગ્રેજોએ બનાવાયેલા મકાનોનું ભાડું મહિને 75 પૈસા
ખારાઘોઢા નવાગામમાં અંગ્રેજો દ્વારા બનાવાયેલા 650 જેટલા મકાનોમાં આઝાદી બાદ કસ્ટમ વિભાગમાંથી સોલ્ટ ડિપાર્ટમેન્ટ અલગ પડ્યાં બાદ હિન્દુસ્તાન સોલ્ટ લિ.ની સ્થાપના કરાઈ હતી. એ સમયે ત્રીજા દરજ્જાના મકાનોનું ભાડું 75 પૈસા, બીજા દરજ્જાના મકાનોનું ભાડું સવા રૂપિયો અને પ્રથમ દરજ્જાનું એટલે કે બંગલાનું ભાડું રૂ. 3 હતું.

ટીબી દર્દીઓ માટે અંગ્રેજોએ બનાવી હતી “રાંકા લાઇન”
એ સમયે પણ ખારાઘોઢામાં મજૂરો અને અગરિયાઓમાં ટીબીનો રોગ જોવા મળતો હતો. આથી અંગ્રેજોએ ટીબીના દર્દીઓ માટે ખારાઘોઢાથી ખૂબ દૂર સ્ટેશન ખાતે એક આખી વસાહત ‘રાંકા લાઇન’ બનાવી હતી. જેમાં ટીબીના દર્દીઓને રખાતા જેથી કરીને ટીબીનો રોગ અન્ય લોકોમાં ન ફેલાય. બાદમાં એ દર્દી સાજો થાય એટલે પાછો ગામમાં આવીને રહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...