પાટડી-બામણવા રોડ પર ગુરુવારે રાત્રે વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી રૂ. 85,000ના મુદ્દામાલની લૂંટની થઈ હતી. બાઇક પર આવેલા 2 અજાણ્યા શખસે બાઇક પર પાટડીથી બામણવા જતા વેપારીની આંખમાં મરચું નાખી છરીથી હુમલો કરીને રોકડ રકમ અને મોબાઇલની લૂંટ કરી હતી. આ અંગે પાટડી પોલીસ મથકે લૂંટ અંગેની ફરિયાદ નોંધાઈ છે.
પાટડી તાલુકાના બામણવા ગામના હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા (દરબાર) પાટડી જીન રોડ પર આશીર્વાદ હોટલ પાસે ચાની હોટલ ચલાવે છે. ગુરૂવારે રાત્રે દુકાન રાજી કરીને તેઓ રોકડા, ચેકબુક, આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ સાથેનો થેલો લઈને બાઇક પર પાટડીથી બામણવા ઘેર જઇ રહ્યા હતા ત્યારે બામણવા પાસે વિષ્ણુભાઈ ગોરધનભાઈ ઠાકોરના ખેતર પાસે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખસે હરદિપસિંહ વાઘેલાનું બાઇક આંતરીને એમની આંખમાં મરચાંની ભૂકી છાંટી હતી.
દરમિયાન પાછળ બેઠેલા શખસે હરદિપસિંહ પર છરી વડે હુમલો કરવા જતા હરદિપસિંહે છરી પકડી લેતા બંને વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ હતી. બાદમાં એ બંને અજાણ્યા શખ્સોએ ધક્કો મારતાં હરદિપસિંહ રોડ નીચે ગટરમાં પડી ગયા હતા. એવામાં એમનો મોબાઇલ પડી ગયો હતો. બાદમાં આ બંને અજાણ્યા શખ્સો રાત્રીના અંધારાનો લાભ લઇ રૂ. 80,000 રોકડા અને રૂ. 5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ રૂ. 85,000ના મુદ્દામાલ અને ચેકબુક સહિતના ડોક્યુમેન્ટ સાથેનો થેલાની લૂંટ કરીને બાઇક પર ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે હરદિપસિંહે 40થી 45 વર્ષની ઉંમરના બાઇકસવાર અને 25થી 30 વર્ષની ઉંમરના અન્ય લૂંટારા વિરુદ્ધ પાટડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતાં પાટડી પોલિસે લૂંટ અંગેનો ગુનો દાખલ કરી વિવિધ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે બંને લૂંટારાને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ડી. જે. ઝાલા ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.