સુરેન્દ્રનગર / પાટડી પંથકમાં તીડના ઝૂંડનું આક્રમણ, ધરતીપુત્રોમાં ફફડાટ ફેલાયો

X

  • પાટડીના હિંમતપુરા અને બજાણા સહિતના ગામોમાં તીડનું જોરદાર આક્રમણ
  • તીડના આક્રમણ થતાં 45 ડિગ્રી તાપમાનમાં ખેડૂતો તીડ ભગાડવામાં લાગ્યા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:18 PM IST

સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં હિંમતપુરા અને બજાણા સહિતના ગામોમાં તીડના ઝૂંડે આક્રમણ કર્યું છે. તીડના આક્રમણથી ધરતીપુત્રોમાં ફફડાટ ફેલાયો છે.  સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી અને વઢવાણ તાલુકામાં પણ તીડનું આક્રમણ થતાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળું વાવેતર પર ખતરો તોળાઈ રહ્યો છે. મોરબી જિલ્લાના હળવદ પંથકમાં પણ તીડોએ આક્રમણ કર્યું છે.

તીડના આક્રમણથી ખેડૂતો ફફડી ઉઠ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં 19 હજાર હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેતરોમાં તલ, જુવાર, રજકો, બાજરી જેવા પાકો ખેતરમાં ઉભા છે. શુક્રવારે મોડી સાંજ પછી પાટડી તાલુકાના હિંમતપુરા અને બજાણા સહિતના રણકાંઠાના ગામોમાં તીડનું આક્રમણ થતાં ખેતરમાં ખેતી કામ કરતા ખેડૂતો ફફડી ઉઠ્યા હતા. થાળી, ઢોલ કે નગારા વગાડી તીડને ભગાડવાની કાર્યવાહીમાં લાગી ગયા હતા. ખેતીવાડી વિભાગ દ્વારા રણકાંઠા વિસ્તારમાં દેખાયેલા તીડના ઝૂંડ કચ્છ તરફ ફંટાયા હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતુ. પરંતુ શુક્રવારની મોડી સાંજે અને શનિવારે પાટડી પંથકના ગામોમાં તીડના આક્રમણથી ખેતીકામમાં જોતરાયેલા જગતનો તાત 45 ડીગ્રી તાપમાનમાં દોડતો થઇ ગયો હતો.

તીડ માટે સરકારી ગાઇડ લાઇન બહાર પડાઇ
>> જે ગામમાં તીડના ઝુંડે રાતવાસો કરેલ છે ત્યાંથી દિવસે કઇ દિશામાં જાય છે એની જાણ ટીડીઓ, મામલતદાર કે ખેતીવાડી અધિકારીને તાકીદે કરવી.
>> દિવસ દરમિયાન જીલ્લાની અંદર એક તાલુકામાંથી બીજા તાલુકામાં તીડ જતા દેખાય તે તાલુકાને તાકીદે જાણ કરવી.
>> દરેક ગામમાં સરપંચ, તલાટી અને ગ્રામસેવકની એક કમીટી બનાવી તીડ નિયંત્રણમાં મદદરૂપ થાય એવા 20-25 સ્વયંસેવકોની યાદી બનાવવી.
>> તીડવાળા સ્થળ પર દવાની વ્યવસ્થા માટે ટ્રેક્ટર પર મૂકવાના ટાંકા અને બેરલની વ્યવસ્થા કરવી.
>> તીડ નિયંત્રણ માટે સ્વયંસેવકો દ્વારા બેટરી પંપ ફુલ ચાર્જ કરી સવારે 4 વાગ્યાથી બેટરી પંપથી છંટકાવ કરવો અને જરૂર હોય ત્યાં ટ્રેક્ટર માઉન્ટેડ પંપનો પણ ઉપયોગ કરી શકાય.
>> સરકારની સુચના અનુસારની અને માન્ય માત્રામાં જ દવાનો ઉપયોગ કરવો. અન્ય કોઇ દવા કે વધુ માત્રામાં દવાનો ઉપયોગ કરવો નહીં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી