તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યાં સુધી છુપાવશો? કેટલું છુપાવશો?:સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર કોરોનાનો મૃત્યુઆંક છુપાવાતું હોવાના કોંગ્રેસે પુરાવા આપ્યા છતાં તંત્ર ઢાંકપિછોડા કરે છે

પાટડી,ચોટીલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર કહે છે, ‘જનસેવા કેન્દ્ર બંધ હોવાથી મરણના દાખલાની સંખ્યા વધી’

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. અનેક લોકો કોરોનાને કારણે મોતના મુખમાં ધકેલાઇ ગયા છે. મોતની સંખ્યા એટલી બધી હતી કે સ્મશાનમાં મૃતદેહને અગ્નીદાહ માટે કલાકો સુધીની રાહ જોવી પડતી હતી. આવી ગંભીર સ્થિતિમાં સરકાર જિલ્લામાં જે લોકોના મોત થયા છે તેના આંકડા ખોટા બતાવવામાં આવતા હોવાનો કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો. પોતાની વાતને પુષ્ટી આપવા માટે વધુમાં જણાવ્યું કે સરકારી ચોપડે કોરોનાથી માત્ર 125 વ્યકિતના જ મોત થયા છે.

જ્યારે વાસ્તવમાં 10,000થી વધુ લોકોના કોરોનાને કારણે મોત થઇ ચૂક્યા છે. જિલ્લામાં કોરોનાની સ્થિતિને લઇને કોંગ્રેસના પાટડીના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી અને ચોટીલાના ધારાસભ્ય રૂત્વીકભાઇ મકવાણા એકશન મોડમાં આવી ગયા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે જિલ્લામાં કોરોનાના મોતનું બિહામણુ ચિત્ર રજુ કર્યુ હતુ. આવા સમાયે સરકાર મોતના સાચા આંકડા છુપાવવાનું પાપ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે પાટડીમાં કોરોનાના 58 દર્દી સારવાર લઇ રહ્યા છે. છતા ત્યા કોઇ ફિઝિશ્યન ડોકટર જ નથી. પુરતો સ્ટાફ ન હોવાને કારણે દર્દીઓને સારવારમાં પણ મુશ્કેલી પડી રહી છે.

65 દિવસમાં 3500ના મોત થયા છે

જિલ્લામાં દર મહિને અંદાજે 200 લોકોના મોત થઇ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને 2020 અને 2021ના મોતના આંકડા બીહામણા છે. છેલ્લા 65 દિવસમાં જ 3500 લોકોના મોત થયા છે. -નૌશાદ સોલંકી,ધારાસભ્ય- પાટડી

એપ્રિલમાં કોરોનાના 3500 જેટલા કેસ હતા તો આટલા બધા મોત કેવી રીતે થઇ શકે?

કોરોનાના વધતા કેસને ધ્યાને રાખીને જનસેવા કેન્દ્ર બંધ રાખવામાં આવ્યુ હતુ. જેને લઇને અત્યારે મરણના દાખલાની સંખ્યા વધી છે. એપ્રિલ મહિનામાં કોરોનાના 3500 જેટલા કેસ હતા તો આટલા બધા મોત કેવી રીતે થઇ શકે.? - કે.રાજેશ,કલેકટર

તેમની પાસે મોતના આંકડા ક્યાંથી આવ્યા તે અમને ખબર નથી

સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સરકારની ગાઇડ લાઇન મુજબ કોરોનાના કેસ,ડિસ્ચાર્જ અને મોત સહિતની તમામ આંકડાકીય માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. તેમા કોઇ વિગતો છુપાવવામાં નથી આવતી. ધારાસભ્યોએ જે આંકડા જાહેર કર્યા છે તે અમે આપ્યા નથી. કદાચ તેમણે ગામડાઓમાંથી લીધા હોય શકે. આક્ષેપ બાબતે કાંઇ કહેવું નથી. - ડો.ચંદ્રમણી,જિલ્લા આરોગ્યા અધિકારી

બજેટમાં મોટો ફટકો પડે છે

જિલ્લામાં 7 મે સુધી થયેલા મોતનો આંકડો જોઇએ તો ગત વર્ષ કરતા 3577નો સીધો તફાવત આવે છે. જનરલ એવરેજ કરતા મોતનો વધેલો આંકડો ચિંતાજનક છે. ઘણા મૃતકના પરિવારજનો તો મૃત્યુની નોંધણી કરવા માટે નહીં ગયા હોય. તમામ મૃત્યુની નોંધ કરાવે તો આંક મોટો થઇ શકે છે. સરકારી ચોપડે સાચા આંકડા ન બતાવતા હોવાનું મારૂ માનવું છે. જેની માઠી અસર ઇન્જેકશન,ઓકિસજન તથા આરોગ્યલક્ષી બજેટ પર પડે છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના બે પાસા છે. તેના આર્થિક સહાયના ધોરણોનું પાલન થવુ જોઇએ તેવી અમારી સરકાર સમક્ષ માંગણી છે. -રૂત્વીક મકવાણા,ધારાસભ્ય ચોટીલા

અન્ય સમાચારો પણ છે...