પાણીનું વિતરણ:ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં અંતે 5 દિવસ બાદ ટેન્કરો દ્વારા પીવાના પાણીનું વિતરણ શરૂ કરાયું

પાટડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા મંત્રી, ધારાસભ્યે નાણાં ચૂકવવાની બાંયેધરી આપતા રણમાં ટેન્કરો આવ્યાં

પાણી પુરવઠા વિભાગે બિલ ન ચૂકવાતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણીનું વિતરણ બંધ કરતા અગરિયાઓ માટે પાણી વેરણ બન્યાનો 10 માર્ચના રોજ વિસ્તૃત અહેવાલ છપાયો હતો. ત્યારે દિવ્યભાસ્કરના આ અહેવાલનો પ્રચંડ પડઘો પડતા ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં અંતે પાંચ દિવસ બાદ ટેન્કરો દ્વારા પીવાનું પાણી શરૂ કરાયું હતુ. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા નાણા ચૂકવવાની બાયેંધરી અપાતા પાંચ દિવસ બાદ રણમાં ટેન્કરો ધમધમતા થતાં અગરિયા સમુદાયમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.

ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આઠ ટેન્કરો દ્વારા મીઠું પકવતા અગરિયા પરિવારોને ઝુંપડે ઝુંપડે જઇ પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ ગાંધીનગર પાણી પુરવઠા બોર્ડ દ્વારા રણમાં ટેન્કરો દ્વારા અગરિયાઓને પીવાનું પાણી પુરૂ પાડતી એજન્સીને ગત વર્ષનું છેલ્લુ બિલ અને આ વર્ષના એક પણ બિલની ચૂકવણી ના કરાતા કોન્ટ્રાક્ટરને રોજનો રૂ. 80,000નો ડીઝલનો ખર્ચ કાઢવો પણ અઘરો બની જતાં અંતે એણે થાકીને ગત 10મી માર્ચથી રણમાં ટેન્કરો દ્વારા પીવાના પાણીનું વિતરણ બંધ કર્યું હતુ.

આથી ગત 10મી માર્ચના દિવ્યભાસ્કરમાં અગરિયાઓ માટે પાણી વેરણના શિર્ષક હેઠળ વિસ્તૃત અહેવાલ છપાયો હતો. બીજી બાજુ ઓડુંથી રણમાં 35 કિ.મી.પાઇપલાઇન દ્વારા અપાતું પાણી પણ બોર ફેઇલ થઇ જવાના કારણે વિતરણ ઠપ્પ થતાં રણમાં મીઠું પકવતા ગરીબ અને પછાત અગરિયા સમુદાયને ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી હતી.ત્યારે દિવ્યભાસ્કરના અહેવાલનો પ્રચંડ પડઘો પડત‍ા.

આ અહેવાલના પગલે ગાંધીનગર પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયા અને દસાડા વિસ્તારના ધારાસભ્ય પી.કે.પરમારના સહિયારા પ્રયાસથી રણમાં પાણીના ટેન્કર શરૂ કરવાની સૂચના આપી પાણી પુરવઠા બોર્ડને એજન્સીના બિલના નાણા ચૂકવી આપવાની સૂચના સાથે હૈયાધારણા આપવામાં આવતા અંતે પાંચ દિવસ બાદ ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં ટેન્કરો દ્વારા પીવાનું પાણી શરૂ કરાતા અગરિયા સમુદાયમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. અને બુધવારે 15મી માર્ચથી રણમાં પાણીના ટેન્કર ફરી દોડતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...