મન્ડે પોઝિટિવ:બામણવાની 10 બહેન મંડપ સર્વિસના સિઝનેબલ વ્યવસાય થકી વર્ષે 8 લાખના ટર્ન ઓવર સાથે રૂ. 2 લાખનો નફો રળે છે

પાટડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 8 વર્ષથી મંડળ વિવિધ ધાર્મિક પ્રસંગે મંડપ સર્વિસ થકી અન્ય મહિલાઓને અનોખો રાહ ચિંધે છે
  • જય શક્તિમાં સ્વ.સહાય જૂથની રચના કરી દર મહિને રૂ. 100ની બચત કરવાની સાથે રૂ. 12,000ના રિવોલ્વિંગ ફંડથી શરૂઆત કરી હતી

આજના હળાહળ કળયુગમાં સમાજથી નાસીપાસ થયેલી મહિલાઓ આપઘાત કરવા સુધીના ઘાતક પગલા ભરતા ખચકાતી નથી. ત્યારે “મન હોય તો માળવે જવાય”ના સૂત્રને સાર્થક કરતી પાટડીના બામણવાની 10 બહેનોનું મંડળ મંડપ સર્વિસના વ્યવસાય થકી વર્ષે સીઝનેબલ આઠ લાખના ટર્નઓવર સાથે રૂ. બે લાખનો નફો રળે છે. અને છેલ્લા આઠ વર્ષથી 10 બહેનોનું આ મંડળ લગ્ન સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગે મંડપ સર્વિસ થકી અન્ય મહિલાઓને અનોખો રાહ ચિંધે છે.

સામાન્ય રીતે લગ્ન કે વિવિધ ધાર્મિક પ્રસંગે મંડપ સર્વિસનો ધંધો ખૂબ જ મહેનતવાળો અને પુરૂષોનો ઇજારાવાળો ધંધો છે. ત્યારે આજના આધુનિક યુગમાં મહિલાઓ હવે બિચારી કે બાપડી રહી નથી. અને પુરુષોથી ખભેથી ખભો મિલાવી ખડેપગે કામ કરતી નજરે પડે છે. ત્યારે પાટડી તાલુકાના ખોબા જેવડા બામણવા ગામની 10 બહેનોએ આજથી અંદાજે આઠ વર્ષ અગાઉ “જય શક્તિમાં સ્વ.સહાયજૂથની રચના કરી દર મહિને રૂ. 100ની બચત કરવાની સાથે રૂ. 12,000ના રિવોલ્વીંગ ફંડથી શરૂઆત કરી હતી.

અને સૌ પ્રથમ 10 બહેનોના આ મંડળે રૂ. એક લાખની લોન લઇ મંડપ સર્વિસનું કામ શરૂ કર્યું હતુ. એમને મંડપ સર્વિસ કામમાં વધુ નાણાની જરૂરિયાત ઉભી થતાં બેંકે એમનું કામ જોઇને રૂ. 5લાખની લોન મંજૂર કરી હતી. જેમાંથી રૂ. 2.50 લાખ ઉપાડીને આ મહિલા મંડળે ખુરશી, ગાદલા અને મંડપ સર્વિસને લગતો બીજો માલસામાન જેવો કે ગણપતિ સ્થાપના, વર-વધુની ખુરશી અને ડેકોરેટેડ સોફા સહિતનો સરસામાન વસાવવાની સાથે ભાડે આપવાની શરૂઆત કરી હતી.

જેમાં આ 10 બહેનો જ્યાં ઓર્ડર મળે ત્યાં અને જ્યાં કેટરર્સની જરૂર હોય તો કેટરર્સ અને રસોડા સહિતની વિવિધ કામગીરી સંભાળીને આજીવિકા રળી રહી છે.પાટડી તાલુકાના બામણવા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આ બહેનોના મંડળને ઓર્ડર મળતા થયા છે. પાટડીના બામણવાની 10 બહેનોનું મંડળ મંડપ સર્વિસના વ્યવસાય થકી વર્ષે સીઝનેબલ આઠ લાખના ટર્નઓવર સાથે રૂ. બે લાખનો નફો રળે છે. અને છેલ્લા આઠ વર્ષથી 10 બહેનોનું આ મંડળ લગ્ન સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગે મંડપ સર્વિસ થકી અન્ય મહિલાઓને અનોખો રાહ ચિંધે છે.

ચાલુ માસથી તો ડીજેનું કામ પણ શરૂ કર્યું છે
અમારા 10 બહેનોના મંડળ દ્વારા મંડપની આવકમાંથી રસોડાનો સામાન વસાવીને એને પણ ભાડે આપી રોજગારીની તકો ઉભી કરી છે. અને ચાલુ માસથી તો અમે ડીજેનું કામ પણ જોરશોરથી શરૂ કર્યું છે. અને આ કામ થકી પણ ઘણા લોકોને રોજગારી મળતી થઇ છે. - સીતાબેન બાબુભાઇ, પ્રમુખ-જય શક્તિમાં સ્વ.સહાયજૂથ

મંડળની બહેનોને ધિરાણ આપવામાં આવે છે
આ મંડળ દ્વારા બહેનોને બાળકોની સ્કૂલ ફી ભરવા કે લગ્ન પ્રસંગ કે પશુપાલન માટે ધિરાણ આપવામાં આવ્યું છે. વધુમાં મંડળના કૈલાશબેન ભરતભાઇ અને રામુબેન જેરામભાઇ દ્વારા ગામમાં લારી-ગલ્લો ચલાવવામાં આવે છે. ગામમાં ગ્રામ્ય સખી સંઘ પણ ચાલે છે. જેમાં 10 સ્વ.સહાયજૂથ જોડાયેલા છે. હાલમાં મંડળમાં રૂ. 50,000 જેવી બચત જમા થયેલી છે. અને તે ઓછા વ્યાજદરથી ફરતા ભંડોળ તરીકે બહેનોને આપવામાં આવે છે. - રંજનબેન રાજુભાઇ ઝીંઝુવાડીયા, મંત્રી-જય શક્તિમાં સ્વ.સહાયજૂથ

હાલમાં તાલુકામાં 539 સખી મંડળ સક્રિય છે
હાલમાં દસાડા તાલુકામાં 539 સખી મંડળો સક્રિય છે. જેમાં 200 સખી મંડળો નાના પાયે ગૃહ ઉદ્યોગ કરે છે. અને મહિલાઓ હવે પુરુષ સમોવડી બની પુરુષો સાથે ખભેથી ખભો મિલાવી આજીવિકા રળી સ્વમાનભેર જીવન જીવી રહી છે.- તૃપ્તિબેન આચાર્ય, તાલુકા લાઇવલી હૂડ મેનેજર- મિશન મંગલમ.

હવે મહિલાઓ પણ અવકાશયાત્રાએ જતી થઇ છે
હવે મહિલાઓ બિચારી કે બાપડી રહી નથી. હવે મહિલાઓ પણ અવકાશયાત્રાએ જતી થઇ છે. અને દેશના રાષ્ટ્રપતિ પણ હાલ એક આદિવાસી મહિલા છે. જે મહિલાઓ માટે ગૌરવ સમાન બાબત છે. અને હવે તો ગામડાની મહિલાઓ પણ સ્વ.સહાયજૂથ મંડળની રચના કરી સ્વમાનભેર રોજગારી મેળવતી થઇ છે. - દક્ષાબેન શાહ, તાલુકા વિકાસ અધિકારી- દસાડા.

અન્ય સમાચારો પણ છે...