કચ્છના નાના રણમાંથી ગ્રાઉન્ડ રીપોર્ટ:રણમાં પાણીના તળ ઊંડ‍ા જતાં 4 વર્ષમાં મીઠું પકવવાનું બંધ થવાના એંધાણ

પાટડી9 દિવસ પહેલાલેખક: ​​​​​​​મનીષ પારીક
  • કૉપી લિંક
  • દેશનું 70 % મીઠું પકવતા ગુજરાતનાં મીઠા ઉદ્યોગને પાણી જ આગ લગાડશે તેવી ઉભી થઇ ભીતિ
  • નર્મદાના નીર દર વર્ષે રણમાં બેફામ વહી જતા દેગામ અને સવલાસ મંડળીના 100થી વધુ પાટામાં મીઠું પકવવાનું કામ છેલ્લા 3 વર્ષથી બંધ
  • રણમાં મીઠા પાણીના સરોવરની કલ્પનાથી ગુજરાતનો ગૌરવસમો મીઠા ઉદ્યોગ અને દુર્લભ ઘૂડખર અભ્યારણ ભૂતકાળ બનશે
  • રણમાં મીઠું પકવતા અગરિયાના ઝુંપડે પાણી પુરવઠા વિભાગ દ્વારા 20થી 25 દિવસે એક વખત અપાતું પીવાનું પાણી

દેશનું 70 % મીઠું પકવતા એક સમયના ગુજરાતનાં ગૌરવસમાં મીઠા ઉદ્યોગમાં પાણી જ આફતનો પહાડ લાવ્યું છે. ખારાપાણીમાં પાકતા મીઠાને પાણી જ આગ લગાડશે એવો ગોઝારો ઘાટ સર્જાયો છે. એક બાજુ રણની જમીનમાં મીઠું પકવવા વપરાતા પાણીના તળ દિવસેને દિવસે ઊંડ‍ા જતાં આવનારા ચાર વર્ષમાં મીઠું પકવવાનું બંધ થવાના એંધાણ સર્જાયા છે.

તો બીજી બાજુ નર્મદાના નીર દર વર્ષે રણમાં બેફામ વહી જતા દેગામ અને સવલાસ મંડળીના 100થી વધુ પાટામાં મીઠું પકવવાનું કામ છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં હોવાથી અગરિયાઓને પરીવારજનો સાથે સામુહિક હિજરત કરવાની નોબત આવી છે. જ્યારે રણમાં મીઠું પકવતા અગરિયાના ઝુંપડે પાણી પુરવઠા વિભાગ દ્વારા 20થી 25 દિવસે એક વખત પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતુ હોવાથી 98 % અગરિયાઓ ચામડીના રોગથી પીડાય છે. આથી છેવાડાનો માનવી ગણાતો અગરિયા આજેય પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી આજેય અઢારમી સદીમાં જીવે છે.

મીઠા પાણીના ‘રણ-સરોવર’ની કડવી વાસ્તવિકતા

  • કચ્છનું નાનું રણ ઉત્તર-ગુજરાત અને રાજસ્થાનની નદીઓ અને વોકળાનું પાણી સમાવવાનું કુદરતી વાસણ ગણાય છે.
  • ઘૂડખર અભયારણ્યનું અસ્તિત્વ મટતા ઘૂડખરને આસપાસના ખેતરો અને ખરાબાના આશરે થવું પડશે. ખેડૂતોની ખેતી અને ઘૂડખર અભયારણ્ય બંનેને નુકસાન થશે.
  • રણને બંધ ધ્વારા બાંધી બારેમાસ પાણી ભરવામાં આવે તો, આસપાસની જમીન મીઠી થવાના બદલે (તેલીયો) ખાર ઉપર આવવાથી ખારી થશે.
  • કચ્છનું નાનું રણ ઘૂડખર અભયારણ્ય હોવાની સાથે-સાથે નેશનલ બાયો-સ્ફીયર રીઝર્વ અને સૂચિત વર્લ્ડ નેચરલ હેરીટેજ તરીકે તેનું વિશ્વમાં આગવું સ્થાન છે એનો પણ કરૂણ અંત આવશે.

કચ્છના રણમાં એશિયાનું સૌથી મોટું ‘મીઠા પાણીનું સરોવર’ બનશે
આ અંગે પાટડી ખારાઘોડા સોલ્ટ એશોશીયેશનના પૂર્વ પ્રમુખ હિંગોરભાઇ રબારી જણાવે છે કે, કચ્છના નાના રણમાં એશિયાનું સૌથી મોટું ‘મીઠા પાણીનુ સરોવર’ બનવા જઇ રહ્યું છે. ત્યારે સત્ય હકીકત તો એ છે કે, એશિયાના સૌથી મોટા મીઠા પાણીની ‘રણ સરોવર’ યોજનાથી દુનિયાના દુર્લભ પ્રાણી એવા ઘૂડખર અભયારણ્યને મટાડીને સરકાર નાના રણને સરોવરમાં ફેરવવા જઇ રહી છે અને આ યોજનાથી 5 જિલ્લાના 20 લાખ ઉપરાંત ખેડૂતો, માલધારીઓ, માછીમારો અને અગરિયાઓની રોજીરોટી છીનવાશે એ પણ વરવી વાસ્તવિકતા છે.

રણમાં પાણીના તળ ઘટતા અગરિયા પરિવારોની સામુહિક હિજરત
ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં જમીનની અંદરના ડીગ્રીવાળા પાણીમાં પોડાવાળુ અને વડાગરૂ ઓર્ગેનિક મીઠું પાકે છે, ત્યારે પાછલા કેટલાંક વર્ષોથી રણની જમીનમાં પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જતા વર્ષોથી પેઢી દર પેઢી પરંપરાગતરીતે મીઠું પકવતા અગરિયાઓ માટે રણમાં મીઠું પકવવાનું કામ દિવસેને દિવસે દોખઝ બનતું જાય છે. રણની જમીનમાં મીઠું પકવવા વપરાતા ડીગ્રીવાળા ખારા પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જતા આવનારા ચાર વર્ષમાં મીઠું પકવવાનું કામ બંધ થવાના એંધાણથી અગરિયા પરિવારો મજુરીકામ માટે સામૂહિક હિજરત કરી ગયા છે.

રણમાં પાણીના લીધે 98 % અગરિયાઓ ચામડીના રોગથી પીડાય છે
રણના 5000 ચો.કિ.મી વિસ્તારમાં મીઠું પકવતા અંદાજે 2000 અગરિયા પરિવારોને પાણી પુરવઠા વિભાગના સમખાવા પુરતા માંડ ચાર ટેન્કરો દ્વારા ઝુંપડે-ઝુંપડે 20થી 25 દિવસે એક વખત પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આથી ગરીબ અને પછાત અગરિયા પરિવારોને રણમાં 45 ડીગ્રીની આગ ઓકતી ગરમીમાં માંડ પીવાનું પાણી મળતુ હોવાથી રણમાં એમના માટે નહાવાની કલ્પના કરવી જ દુષ્કર છે. આથી વેરાન રણમાં “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવતા 98 % અગરિયાઓ ચામડીના રોગથી પીડાય છે એ પણ કડવી વાસ્તવિકતા છે.

અન્ય સમાચારો પણ છે...