મધર્સ ડે:એક પણ ચોપડી ન ભણેલી મધ્યાહન ભોજનમાં સહાયક તરીકે નોકરી કરતી અભણ માતાએ પુત્રને ડોક્ટર બનાવ્યો

પાટડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરિવારજનો સાથે ડો.ગોપાલ ઠાકોર. - Divya Bhaskar
પરિવારજનો સાથે ડો.ગોપાલ ઠાકોર.
  • ડોક્ટર પુત્રને પોતાના વતનમાં જ અગરિયા વિસ્તારમાં ખારાઘોડા મેડિકલ ઓફિસરની નોકરી મળી હતી

આજે 8મી મે ‘મધર્સ ડે’ છે ત્યારે આજે આપણે વાત કરવી છે રણકાંઠાના અંતરિયાળ ગામની એક પણ ચોપડી ન ભણેલી અભણ માતાની કે જેમણે ગામની જ શાળામાં મધ્યાહ્ન ભોજનમાં સહાયક તરીકે નોકરી કરીને પેટે પાટા બાંધી પુત્રને ડોક્ટર બનાવ્યો છે. અને વધુમાં આ ડોક્ટર પુત્રને પોતાના વતનમાં જ અગરિયા વિસ્તારમાં ખારાઘોડા મેડિકલ ઓફિસરની નોકરી મળી હતી. અને હાલમાં આ ડો. ગોપાલભાઇ ઠાકોર પાટડી તાલુકા હેલ્થ ઓફિસર તરીકે સેવા બજાવી આજે જ 3 વર્ષ નોકરીના પૂરા કર્યા છે.

પાટડી તાલુકાના અંતરિયાળ એવા જરવલા ગામના ડો.ગોપાલભાઇ ઠાકોરના પિતા હરજીભાઇ ઠાકોર ખેતમજૂરી અને માતા રંજનબેન ગામની જ શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનામાં સહાયક તરીકે નોકરી કરીને પોતાના 2 દીકરા અને 3 દીકરીને ભણાવ્યા હતા. જેમાં હાલ ત્રણેય દીકરીને પરણાવીને સાસરે વળાવી છે. અને એક દીકરો મંડપ ડેકોરેશનનું કામ કરી પેટીયું રળી રહ્યો છે. જ્યારે બીજો દીકરો ગોપાલ ઠાકોર નાનપણથી જ ભણવામાં હોંશિયાર હતો.

ધોરણ 10 બોર્ડમાં 84 % મેળવ્યા બાદ એના પિતા જેમના ત્યાં વર્ષોથી મજૂરી કામ કરતા હતા એ ગામના ઘનશ્યામભાઇ પટેલે ગોપાલ ઠાકોરને સુરેન્દ્રનગરની હાઇસ્કૂલમાં પ્રવેશ અપાવતા એણે ધો.12 બોર્ડમાં સાયન્સમાં 86 % મેળવી ઓબીસી કેટેગરીમાં હોવાથી બી ગ્રુપમાં ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં ફર્સ્ટ ક્લાસ સાથે એમબીબીએસનું સપનું પૂરું કર્યુ હતુ.

ડો.ગોપાલ ઠાકોરને પોતાની પહેલી જ નોકરી પોતાના માદરે વતન અને અગરિયા વિસ્તારમાં આવતા એવા ખારાઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી મળી હતી. પોતાની જન્મભૂમિને કર્મભૂમિ બનાવવારા ડો.ગોપાલ ઠાકોર હાલમાં પાટડી તાલુકા હેલ્થ ઓફિસર તરીકે સેવા બજાવી આજે જ 3 વર્ષ નોકરીના પૂરા કર્યા છે. એટલે જ કહેવાય છેને કે, જેના થકી મળ્યો છે આનંદ અપરંપાર, માતાના ચરણોમાં વંદન વારંવાર.

માતા થકી જ આજે ડોક્ટર બન્યો છું
ખેતરોમાં મજૂરી કરવાની, આખો દિવસ મારા માતા-પિતાની મજૂરી થકી દિવસના બે છેડા ભેગા થઇ શકે એવી હાલતમાં મને ઉત્સાહ, સંસ્કાર આપનારી દેખાવથી સામાન્ય લાગતી મારી માતાની સમજણને વંદન કરી શકું એટલું મારું સામર્થ્ય છે. મારી માતા થકી જ હું આજે ડોક્ટર બન્યો છું. > ડૉ.ગોપાલ ઠાકોર

ગરીબીમાં જ અમે આગળ વધ્યા
હું આજે પણ ગામની શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનામાં સહાયક તરીકે કામ કરું છું. મારો ગોપાલ જ્યારે ડોક્ટર બનીને ઘેર આવ્યો એ મારા જીવનની સૌથી સુખદ ક્ષણ હતી. હું આજે પણ મધ્યાહ્ન ભોજન યોજનામાં સહાયક તરીકે કામ કરું છું. અને ગરીબાઇમાં જ અમે આગળ વધ્યા હોવાથી આજેય હું મારા ગોપાલને ગરીબોના બેલી બનવાની પ્રેરણા આપું છું. > રંજનબેન ઠાકોર, માતા

અન્ય સમાચારો પણ છે...