આયોજન:પાટડી શક્તિમાતા મંદિર દ્વારા તમામ દુકાનદારોને પ્રસાદીરૂપે શ્રીફળ અપાયા

પાટડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો શક્તિધામ દર્શને ઊમટ્યા

કારતક સુદ-11ના રોજ ઝાલાકૂળના આદ્યસ્થાપક શક્તિમાતાનો 946મો સ્થાપના દિવસ છે. આથી પાટડી શક્તિમાતાના મંદિરને ફુલોથી અનોખી રીતે શણગારવાની સાથે બપોરે શક્તિમાતાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.અને ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા મંદિરમાં ભવ્ય હવનનું પણ આયોજન હાથ ધરાયું હતું. શક્તિમાતા મંદિર દ્વારા તમામ દુકાનદારોને પ્રસાદીરૂપે શ્રીફળ આપવામાં આવ્યા હતા. ગુજરાતભરમાંથી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકો શક્તિધામ પાટડી અને ધામાના દર્શને ઊમટ્યા હતા.

પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો.રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાધ્યાં હતા. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતું અને દિવસ ઉગતા પહેલા છેલ્લુ તોરણ દિગડીયા ગામેં બાધ્યું હતું. આમ તેઓ 2300 ગામના ધણી કહેવાયા. બિસંતીદેવી પ્રતાપસિંહ સોલંકીનાં કુંવરી હતા.

જ્યારે તેઓ હરપાળદેવને વર્યા ત્યારે શરત રાખી હતી કે, પોતાનું અસલ દૈવીસ્વરૂપ લોકો જ્યારે જાણશે ત્યારે તેઓ અહીંથી વિદાય લેશે. વિ.સં.1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન(મકવાણા)વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયું હતું. ત્યારથી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-13ના રોજ ઝાલા કુળના વંશજ પોતાના પરિવારજનો સાથે માથે તિલક અને કેસરી સાફો તથા હાથમાં તલવાર લઇ પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે.

અન્ય સમાચારો પણ છે...