વાત ગામ ગામની:કઠાડા ગામમાં તમામ 346 ઘરમાં ‘વંદે માતરમ’ લખેલું છે

પાટડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે ઘરમાં ગોપાલન હોય એ ઘરોમાં ‘અભયધામ’ લખેલું છે

જે ગામમાં પરિણામલક્ષી પકલ્પો હોય એ ગામને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની દ્રષ્ટિએ પ્રથમ કિરણ, ઉદય અને બાદમા પ્રભાત નામ આપવામાં આવે છે. આરએસએસ દ્વારા રાષ્ટ્રીય લેવલે આદર્શ ગામ ઘોષિત કરાયેલા કઠાડા ગામમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર અને સ્વાવલંબન પ્રવૃત્તિઓ થકી આમુલ પરિવર્તન જોવા મળ્યું છે. અનોખી દેશભક્તિના રંગે રંગાયેલા આ આદર્શ કઠાડા ગામના તમામ 346 ઘરોના પ્રવેશદ્વારે \"વંદે માતરમ\" લખેલું છે. અને જે ઘરમાં ગોપાલન હોય એ ઘરોમાં \"અભયધામ\" લખેલું છે.

આઝાદીના 75 વર્ષે જો તમારે દેશભક્તિના અનોખા રંગે રંગાવુ હોય તો તમારે પાટડી તાલુકાના આદર્શ ગામ ''કઠાડા''ની મુલાકાત અવશ્ય લેવી પડે. સંઘની દ્રષ્ટિએ \"પ્રભાત\" ગામમાં આવતા કઠાડા ગામમાં તમામ 346 ઘરોના પ્રવેશ દ્વારે એટલે કે ઘરના દરવાજે \" વંદે માતરમ \" લખેલું છે. અને જે ઘરમાં ગોપાલન હોય એ ઘરોમાં ''અભયધામ'' પણ લખેલું છે.

આ આદર્શ ગામમાં આગામી દિવસોમાં 60 % ગોપાલન થતું હોય એવો કઠાડા ગ્રામજનોનો લક્ષ્યાંક છે. સંઘ દ્વારા રાષ્ટ્રીય લેવલે એક આદર્શ ગામ ઘોષિત કરાયેલા કઠાડા ગામમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર અને સ્વાવલંબન પ્રવૃત્તિઓ થકી ગ્રામજનોમાં આમુલ પરિવર્તન જોવા મળ્યું છે.

ગ્રામ સમિતી દ્વારા શાળા આધારિત ગ્રામ વિકાસ અંતર્ગત શાળામાં બાળકોને સંસ્કારોનું સિંચન એના પરિવાર સુધી પહોંચે એના પર શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ખાસ ભાર મુકવામાં આવે છે. શાળામાં જ પાણી બચાવો, વિજળી બચાવો, વેસ્ટમાંથી બેસ્ટ, જૈવિક કચરામાંથી ખાતર, વૃક્ષારોપાણ અને અભ્યાસિકા વર્ગ સહિતની પ્રવૃત્તિઓ

દ્વારા નિયમિત કાર્ય કરવામાં આવે છે. કઠાડા પ્રાથમિક શાળાના આચાર્ય સુખદેવભાઇ વણોલ જણાવે છે કે, શાળામાં બાળક ગુણાંક સાથે ગુણવાન બને અને સામાજિક પરિવર્તનના તમામ આયામો ચાલતા હોય અને એનું પરિણામ પણ મેળવવામાં આવે છે.

વધુમાં ગૌ સંપદા, વન સંપદા, જળ સંપદા, ભૂમિ સંપદા, જીવ સંપદા, ઉર્જા સંપદા અને જન સંપદા એમ તમામ સાત જીવ સંપદાને કેન્દ્રમાં રાખીને શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર અને સ્વાવલંબન ક્ષેત્રે કામ કરવામાં આવે છે. આરએસએસના સીતારામજી કેદીલાયે આ સાત જીવ સંપદાને બચાવવા ભારત ભ્રમણ પદયાત્રા કાઢી આ આદર્શ કઠાડા ગામે આવ્યા હતા.

મહારાષ્ટ્રથી 148 લોકો ગ્રામ દર્શન કરવા આદર્શ કઠાડા ગામની મૂલાકાતે આવ્યા હતા
સંઘ દ્વારા "પ્રભાત" ગામ ઘોષિત કરાયેલા એવા આદર્શ કઠાડા ગામેં મહારાષ્ટ્રના 15 જીલ્લાના 74 ગામના 148 લોકો ગ્રામ દર્શન માટે કઠાડા ગામે આવ્યા હતા. અને કઠાડા ગામમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કાર અને સ્વાવલંબન ક્ષેત્રે ચાલતા પરિણામલક્ષી પકલ્પોને રૂબરૂ નિહાળ્ય‍ા હતા.

કઠાડાની 11 મહિલાઓ દ્વારા ગૌમૂત્રના ફિનાઇલના પ્રોજેક્ટે દેશના સિમાડા વટાવ્યા
કઠાડા ગામની 11 મહિલાઓએ 2011માં સર્વાગીણ ગ્રામ વિકાસ ટ્રસ્ટ અંતર્ગત સુરભી સ્વસહાય જુથની રચના કરી ગૌમૂત્રના અર્ક અને લિમડામાંથી શુધ્ધ અને કેમિકલ મુક્ત ફિનાઇલ બનાવવાનો અનોખો પ્રયોગ હાથ ધર્યો હતો. કઠાડા ગામમાં ગીર કે કાંકરેજ ગાય રાખનારા ગોપાલકની ગાયનું 15 લિટર ગૌમૂત્રમાં 1 કિલો લિમડાને માટીના પાત્રમાં ખૂબ જ ઉકાળીને બીજા દિવસે સવારે અર્ક મશીનમાંથી ગાળીને એમાંથી 8 લિટર ફિનાઇલ બનાવાય છે. હાલમાં એક નાના સરખા છોડ સમો આ પ્રયોગ આજે વિશાળ વટવૃક્ષ બની સમગ્ર ગુજરાતમાં સોનેરી સુવાસ ફેલાવવાની સાથે દેશના સિમાડા વટાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...