ટેક્ષ ખરો પણ સુવિધા નહીં:પાટડીનાં આખેઆખાં 2 ગામ ગેરકાયદે !! , સરકારી તંત્રની ભૂલને કારણે 3 વર્ષથી પ્રોપર્ટી કાર્ડ બન્યાં જ નથી

પાટડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોપર્ટી કાર્ડ માટે અરજદારો સિટી સરવે અને જિલ્લા મથકના ધક્કા ખાઇ રહ્યાં છે - Divya Bhaskar
પોપર્ટી કાર્ડ માટે અરજદારો સિટી સરવે અને જિલ્લા મથકના ધક્કા ખાઇ રહ્યાં છે
  • મિલકતધારકો પોતાની મિલકત વેચી શકતા નથી
  • પાલિકા હેઠળના હિંમતપુરાની 148, નારાયણપુરાની 133 મિલકતનો સિટી સરવેમાં કોઇ ઉલ્લખે જ નથી
  • 2 ગામ અને પાટડી હદના કુલ 6 વિસ્તારની કુલ 3900 મિલકત સરકારી ચોપડે ગેરકાયદે
  • અગાઉ દસ્તાવેજ રજૂ કરતાં પ્રોપર્ટી કાર્ડ બની જતાં હવે અરજદારો જિલ્લા મથકે અપીલ કરવા ધક્કા ખાય છે

નગરપાલિકાની હદમાં આવતી 3900 મિલકતો સીટી સર્વેમાં નોંધ ન કરાતા પ્રોપર્ટી કાર્ડ બની શક્યા નથી. જ્યારે પાલિકા હેઠળ આવતાં હિંમતપુરા અને નારણપુરાની 381 મિલકતોનો પણ સીટી સર્વેમાં ઉલ્લખ ન કરાતા આખે આખુ ગામ ગેરકાયદેસર બન્યું છે. બીજી તરફ પાલિકાના રેકર્ડમાં કુલ 7300 મિલકતોની નોંધણી થઇ હોવાથી ટેક્ષ ભરવા છતાં સુવિધા ન મળતી હોવાની રાવ સાથે 900થી વધુ અરજદારોએ પાલિકામાં ધારદાર રજૂઆત કરી હતી. ત્યારે આગામી ફેબ્રુઆરીમાં આવતી ચૂંટણીને ધ્યાને લઇ પાલિકા પ્રમુખ સહિતના સભ્યો દ્વારા ગુરુવારે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે.

પોપર્ટી કાર્ડ મેળવવા 900 અરજદારની અપીલ બાદ નગરપાલિકાની મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રીને રજૂઆત
પાટડી નગરપાલિકાના રેકર્ડ મુજબ 7300 મિલ્કતોમાંથી સીટી સર્વેમાં 3400 જ પ્રોપર્ટી કાર્ડ બનેલા છે. તો હિંમતપુરાની 148 અને નારાયણપુરાની 133 મિલકતો સીટી સર્વેમાં નોંધાયેલા ન હોવાથી સરકારી ચોપડે ગેરકાયદેસર છે. જેમાં ઇન્દિરાનગર, બાજપાઇનગર, વેલનાથનગર, ખાન સરોવર, અગરિયા વસાહત અને શંકરપરા સહિતના વિસ્તારોના મિલ્કતધારકો એમના દસ્તાવેજના આધારે રહી તો શકે છે પણ મિલ્કત વેચી શકતા નથી. આ ગંભીર પ્રશ્ને પાલિકાના પ્રમુખ સુરેખાબેન પટેલ, ઉપપ્રમુખ જેંતિભાઇ ઠાકોર અને કારોબારી ચેરમેન મોહનલાલ ઠક્કર સહિત નગરપાલિકાના સભ્યો દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મહેસુલ મંત્રી કૌશીકભાઇ પટેલને લેખીત રજૂઆત કરાઇ છે. જેમાં પાટડીની 58% મિલકતોના પ્રોપર્ટી કાર્ડ માટેની અપીલો 3 વર્ષથી પેન્ડીંગ હોવાનું જણાવાયું છે. નોંધનીય છે કે,આ તમામ મિલ્કતો દસ્તાવેજવાળી હોવા છતાં જે તે સમયના અધિકારીઓની ભુલોના કારણે આ મિલ્કતોના સત્તા પ્રકાર કે-1 થઇ ગયા છે. પાટડીની આવી ઘણી મિલ્કતોની અપીલો સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરી, સુરેન્દ્રનગર ખાતે 3 વર્ષથી પેન્ડીગ છે.કોઇ ફેરફાર થઇ શકતા નથી.

3400માંથી 1000 કાર્ડનો સત્તા પ્રકાર કે, કે-1 છે
આ 1000 જેટલા પ્રોપર્ટી કાર્ડનો સત્તા પ્રકાર કે અને કે-1 છે. જેમાં સત્તા પ્રકાર કે-1 એટલે કે રાવળા હક્કની નવી શરતની મિલ્કતો ગણાય છે. જેથી વેચાણ વ્યવહાર કે અન્ય કોઇ ફેરફાર થઇ શકતા નથી.

સત્તા પ્રકાર માટેની અપીલનો 4 વર્ષેય ઉકેલ આવતો નથી
આવી કે-1 પ્રકારની મિલ્કતોમાં સત્તા પ્રકાર બદલવો હોય તો નાયબ કલેક્ટર પાસે અપીલ દાખલ કરવી પડે છે. આ પ્રક્રિયામાં 5 વર્ષ વિતવા છતાં નિવેડો આવતો નથી. જેથી નાણાં અને સમયનો વ્યય થાય છે.

પાટડીની 200 જેટલી પ્રોપર્ટી શ્રી સરકાર થઇ ગઇ છે
સિટી સર્વેના રેકર્ડ મુજબ 3400 પ્રોપર્ટી કાર્ડમાંથી અંદાજે 200 પ્રોપર્ટી શ્રી સરકાર થઇ છે. આવી મિલ્કતોની અપીલો પણ છેલ્લા 3-4 વર્ષથી પેન્ડીગ છે.કોઇ ફેરફાર થઇ શકતા નથી.

પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત
કોઇ વ્યકિત પાસે પ્લોટ હોય તો PMYA હેઠળ રૂ. 3.50 લાખની સહાય અપાય. પરંતુ પાટડીની 58% મિલ્કતો અને હિંમતપુરા અને નારણપુરાની મિલ્કતો સરકારી ચોપડે ગેરકાયદેસર હોવાથી આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...