ભાસ્કર એક્સક્લુઝીવ:અહો આશ્વર્યમ...; કચ્છના નાના રણનો અગરીયો આગામી સીઝન માટે મીઠું પકવવા ચાર મહિના પીવાનું પાણી રણની જમીનમાં દાટીને ઘેર આવે છે

પાટડી20 દિવસ પહેલાલેખક: ​​​​​​​મનીષ પારીક
  • કૉપી લિંક
  • છેવાડાના માનવીનો પાણી માટે પોકાર
  • જમીનમાં દાટેલુ આ પીવાનું પાણી બગડી ન જાય એટલે અગરિયો આ પાણીમાં ફટકડી નાખીને ઘેર આવે છે

રણમાં વર્ષોથી પેઢી દર પેઢી પરંપરાગતરીતે “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવતા અગરિયાને છેવાડાના માનવી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં રણમાં મીઠું પકવવાની સીઝન પુરી થઇ છે અને અગરિયા પોતાના પરિવારજનો અને સર સામ‍ાન સ‍ાથે પોતાન‍ા માદરે વતન પરત ફરી રહ્યાં છે. ત્યારે કાળજુ કંપાવનારી અત્યંત ચોંકાવનારી હકીકતો સામે આવી છે કે, રણનો અગરીયો ચાર મહિના પછીની આગામી સીઝન માટે મીઠું પકવવા ચાર મહિના પીવાનું પાણી રણની જમીનમાં દાટીને ઘેર આવે છે. અને જમીનમાં દાટેલુ આ પીવાનું પાણી બગડી ન જાય એટલે અગરિયો આ પાણીમાં ફટકડી નાખીને ઘેર આવે છે.

રણમાં પરંપરાગતરીતે મીઠું પકવતા ગરીબ અને પછાત અગરીયાઓની ઘણી બધી દારૂણ કહાનીઓ આપણે જોઈએ અને સાંભળીએ છીએ પણ ઘણા બધા લોકોને એ નહીં ખબર હોય કે, રણની સીઝન પૂર્ણ થયા બાદ ચોમાસા દરમિયાન રણ આખુ વરસાદના પાણીથી ભરાઈ જતા મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છે. અને આ રણનુ પાણી દરીયાઈ માર્ગે ધીરે ધીરે ચોમાસા બાદ ખાલી થતું થાય છે. એવા સમય દરમિયાન નવી સીઝન માટે અગરિયાઓ રણમાં કામ અર્થે જતા હોય છે.

એ સમયે રણમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીના ટેન્કરો પણ બંધ હોય છે, ત્યારે છેવાડાનો માનવી ગણાતો અગરિયા સમુદાયને પોતાના માટે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન હોય છે કે પીવાનું પાણી ક્યાંથી લાવું ? એ સમયે ચારે બાજુ રણમાં કીચડ હોઈ દશથી પંદર કિલોમીટર કીચડ ખુંદતા ખુંદતા પોતાના પાટે કામ અર્થે જતા હોય છે.

એવા સમયે પીવાના પાણીની અગરિયાઓ પોતે આગોતરી વ્યવસ્થા કરી અગરિયાઓ જ્યારે રણમાંથી ઘરે આવે ત્યારે જમીનમાં ખાડો કરી પ્લાસ્ટિકના ફુગ્ગામાં પીવાનું પાણી ભરી જમીનમાં દાટી દઇને ટ્રેક્ટરમાં સરસામાન સાથે પોતાના પરિવારજનો સાથે પોતાના માદરે વતન પરત ફરે છે. અને જ્યારે ચોમાસા બાદ રણમાં કામ અર્થે જાય ત્યારે એ જ જમીનમાં દાટેલા પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. અને જમીનમાં દાટેલુ આ પીવાનું પાણી બગડી ન જાય એટલે અગરિયો આ પાણીમાં ફટકડી નાખીને ઘેર આવે છે.

ત્યારે રણમાં “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવતા છેવાડાના માનવીની દારૂણ્ય તસ્વીર ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા બયાં કરે છે. આ અંગે વિગતવાર માહિતી આપતા અગરિયા આગેવાન ચકુજી ઠાકોર આક્રોશ સાથે જણાવે છે કે, રણમાં મીઠું પકવતા અને છેવાડાના માનવી ગણાતા અગરિયા આજે રણમાં રસ્તા, વિજળી અને પીવાના પાણીની સુવિધાઓથી વંચિત હોવાથી આજે અઢારમી સદીમાં જીવતા હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

વધુમાં તેઓ જ્યારે રણમાં મીઠું પકવવા જાય ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા અગરિયાના ઝુપડે 20 દિવસે એક વખત પીવાનું પાણી આપતા હોવાથી અને પીવાના પાણીનો સંગ્રહ કરવાની અગરિયાઓ પાસે કોઇ જ સુવિધાઓ ન હોવાથી તેઓ ખાટલામાં પ્લાસ્ટિક બાંધી પીવાના પાણીનો સંગ્રહ કરે છે.

રણમાં મીઠું પકવવાની આગામી સીઝન માટે આગોતરૂ આયોજન કરી ઘેર પરત ફરતા પહેલા ચાર મહિના માટે રણમાં પીવાનું પાણી દાટીને ઘેર આવે છે. કાયમ દુનિયાથી અલિપ્ત રહેતા અગરિયા સમુદાય નર્મદાના નીર ગામેગામ પહોંચ્યા હોવાના સરકારના દાવાઓ વચ્ચે આજે પણ વેરાન રણમાં આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની એક-એક બુંદ માટે પણ રઝળપાટ કરતા નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...