તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિલા મોઢે પાછા ફરવું પડ્યું:ગાંધી હૉસ્પિટલમાં બાળરોગ નિષ્ણાતના અભાવે 6 માસની બાળકીને સારવાર ન મળી

પાટડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટડી તાલુકાના આદરિયાણા ગામના દંપતીને વિલા મોઢે પાછા ફરવું પડ્યું
  • બાળકીના શરીરમાં માત્ર 3% લોહી, ખાનગીમાં લોહી ચડાવવાની 25 હજારની સારવાર ખર્ચાળ

પાટડી તાલુકાના આદરિયાણા ગામની બંને પગથી ગરીબ દિવ્યાંગ મહિલાની માત્ર 6 માસની દિકરીના શરીરમાં લોહીનું પ્રમાણ માત્ર 3 % થઇ જતા લોહી ચઢાવવાની જરૂર પડી હતી. જેમાં ખાનગી દવાખાનામાં રૂ. 20થી 25 હજારનો ખર્ચનું જણાવતા ગરીબ પરિવાર માટે દીકરીની સારવારના ફાંફા પડી ગયા છે. સોમવારે આ ગરીબ દંપતિ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે જતા ત્યાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટર ન હોવાથી સારવાર શક્ય ન હોવાનું જણાવતા તેઓ વિલા મોંઢે પરત ફર્યા હતા.

પાટડી તાલુકાના આદરિયાણા ગામે રહી કટલરીની દુકાનમાં નોકરી કરતા ભરતભાઇ રતુભાઇ ધોળકિયાની પત્નિ બંને પગેથી દિવ્યાંગ છે. આ ગરીબ દંપતિને સંતાનમાં 3 દીકરી જ છે. જેમાં સૌથી નાની 6 મહિનાની દીકરી સુનિતાના શરીરમાં લોહીનું પ્રમાણ માત્ર 3 % જ થઇ જતાં એની હાલત નાજુક બનતા આ ગરીબ દંપતિ એને તાકીદે સારવાર અર્થે બસમાં વિરમગામ ખાનગી દવાખાનામાં લોહિ ચઢાવવા માટે લઇ ગયા હતા. ગાંધી હોસ્પિટલવાળાઓએ આ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટર ન હોવાનું જણાવી સારવાર વિના એમને પરત મોકલ્યાં હતા. બાદમાં આદરીયાણાનું આ દંપતિ સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં લઇ જતાં ત્યાં ડોક્ટરે સારવારના રૂ. 25,000નો ખર્ચો હોવાનું જણાવતાં આ દંપતિ દિકરીની સારવાર કર્યા વિના પોતાના ગામ આવવા ફરત ફર્યા હતા.

પાટડી બસ સ્ટેન્ડ પર આ ગરીબ દંપતિએ જણાવ્યું કે, અમારી દિકરીના શરીરમાં માત્ર 3% જ લોહી હોવાથી અમેં વધુ ખર્ચો કહેવાથી ખાનગી દવાખાનામાં સારવાર કરાવી શકતા નથી. આજે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાનું જણાવતાં અમે સારવાર કરાવ્યા વિના અત્યારે પાટડી આવીને મારી સાળીના ત્યાં ઓડું ગામ જઇ રહ્યાં છીએ. અને આવતી કાલે સવારે ફરી દીકરીને બસમાં લઇ જઇને સાણંદ સરકારી હોસ્પિટલમાં જવાના છીએ. આરોગ્યની સચોટ સુવિધાના બણંગા ફૂંકતી સરકાર આ ગરીબ દિકરીની સારવાર ન કરી શકતા ગરીબ દંપતિ માટે માસૂમ દીકરીની સારવાર માટેના ફાંફા ઉભા થયા છે.

બીજી તરફ આ અંગે ગાંધી હોસ્પિટલના જિલ્લા સિવિલ સર્જન ડો. એચ.એમ.વસેતિયને જણાવ્યું કે, આ બનાવમાં અમારી પાસે કોઇ આવ્યું નથી કે મને મળવા પણ આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...