ચૂંટણી બહિષ્કારની ચીમકી:700 અગરિયાને 3 વર્ષથી સબસિડી ન ચૂકવાતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

પાટડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે 3000 સોલાર મંજૂર કરાયા હતા

રણમાં મીઠું પકવતા અગરિયાઓને સોલાર સિસ્ટમ આવતા એમને મીઠું પકવવામાં ખુબ ફાયદો થતાં એમનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે. અગરિયાઓને 2 માસમાં સબસિડી આપવાની ગાઇડલાઇન, ને 700 અગરિયાઓને 3 વર્ષથી સબસિડી ન ચૂકવાતા અગરિયાઓ લાલઘૂમ બની ચૂંટણી બહિષ્કારની ચિમકી આપી છે. અને ચૂંટણી પહેલા બેંક ખાતામાં સબસિડીની રકમ જમા નહીં થાય તો અગરિયાઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા ગાંધીનગર સુધી ધસી જવા મક્કમ બન્યા છે.

ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા રણમાં મીઠું પકવતા અગરિયાઓ માટે 3000 સોલાર મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં 2000 કરતા વધારે સોલાર સિસ્ટમ અગરિયાઓને આપવામાં આવી હતી. સોલાર સિસ્ટમ લાગ્યા પછી અગરિયાઓને બે માસમાં સબસિડી આપવી એવી સરકારની ગાઇડલાઇન છે. જેમાં સોલાર સિસ્ટમ પર 80 % સબસિડી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે. રણમાં સોલાર આવતા અગરિયાને ખુબ મોટો ફાયદો થયો છે. જેનાથી અગરિયાઓને દર મહિને રૂ.30,000 બચે છે.

અગાઉ અગરિયાઓ ઓઇલ એન્જિન દ્વારા 50 ફૂટે પાણી કાઢીને મીઠું પકવતા હતા. જેમાં એમનો 70% નફો ક્રુડ-ડીઝલમાં જતો રહેતો હતો. રણમાં સોલાર સિસ્ટમ આવતા હવે અગરિયો ધીમે ધીમે દેવામાંથી બહાર નિકળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વેરાન રણમાં ગરીબ અગરિયાઓએ સોલાર સિસ્ટમ લગાવ્યાને બે વર્ષથી પણ વધારે સમય વિતવા છતાં 700થી વધારે અગરિયાઓને સોલારની સબસિડી આપવામાં આવી નથી. આજે આ ગરીબ અને પછાત અગરિયાઓ બેંકમાં બે-ત્રણ વર્ષથી દર વર્ષે અંદાજે રૂ. 15,000 વ્યાજ ભરીને થાકી ગયા છે.

એમને સોલાર સબસિડીનો લાભ વ્યાજમાં ગયો છે. આજે સબસિડી ના આવતા અગરિયો સોલાર સિસ્ટમ લઇને ફસાઇ ગયો છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓની ઉગ્ર માંગણી છે કે સોલાર લાગ્યાને બે-ત્રણ વર્ષ વિતવા છતાં અગરિયાઓના ખાતામાં સબસિડી જમા થઇ નથી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રણમાં આવીને સ્થળ તપાસ કરી જવાની સાથે અગરિયાઓ દ્વારા તમામ જરૂરી ડોક્યુમેન્ટ પુરા પાડવા છતાં અને અનેકો ધક્કા ખાવા છતાં છેવાડાના માનવી ગણાતા એવા અગરિયાની રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાતી પણ નથી.

આ અંગે અગરિયા હિત રક્ષક મંચના જિલ્લા કો.ઓર્ડિનેટર ભરત સોમેરા આક્રોશ સાથે જણાવે છે કે અગરિયાની વ્યાપક રજૂઆત છે કે 700 કરતા વધારે સોલાર પંપની સબસિડી તાકીદે આપવામાં આવે નહિંતો અગરિયા સમુદાય આ વિધાનસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાનું પણ ગંભીર રીતે વિચારી રહ્યાં છે. અને રણમાંથી એક પણ અગરિયો મતદાન કરવા ગામમાં નહીં આવે. અને ચૂંટણી પહેલા અગરિયાઓના બેંક ખાતામાં સબસિડીની રકમ જમા નહીં થાય તો અગરિયાઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવા ગાંધીનગર સુધી ધસી જવા મક્કમ છે.

અન્ય સમાચારો પણ છે...