તપાસ:જૈનાબાદના મર્ડર કેસમાં 4 ટીમ તપાસમાં જોડાઇ

પાટડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જીલ્લાના જૈનાબાદમાં ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ મકાન માલિક જાગી જતાં તીક્ષ્ણ હથીયારથી હુમલો કરી પતાવી દીધાની સનસનીખેજ વિગતો સામે આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. પાટડી તાલુકાના જૈનાબાદ ગામે રહી ખેતીકામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા અને જૈનાબાદ મેઇન બજારમાં રહેતા અબ્દુલભાઇ ફરીદભાઇ વડગામા ગત રાત્રીના પોતાના નવા ઘરમાં એકલા સૂતા હતા અને બાકીના પરિવારજનો જૂના ઘેર સૂતા હતા.

ત્યારે રાત્રીના અંધારામાં તસ્કરોની ગેન્ગ ચોરી કરવાના ઇરાદે એમના ઘરમાં ઘૂસ્યા હતા. ત્યારે અવાજ થતાં મકાન માલિક અબ્દુલભાઇ વડગામા જાગી જતાં તસ્કરો સાથે એમને ઝપાઝપી થઇ હતી. તસ્કરો સાથે ઝપાઝપી કરતા માથામાં ધારીયા કે છરી જેવા તીક્ષ્ણ હથીયારનો ઘા માથામાં વાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

જ્યારે જૈનાબાદમાં ચારથી પાંચ મકાનો અને દુકાનોના તાળા તૂટ્યાની વિગતો પણ સામેં આવી હતી. જૈનાબાદમાં ચોરીના ઇરાદે મર્ડર કેસમાં એલસીબી, એસઓજી, ડીવાયએસપી સ્કવોડ અને દસાડા પોલિસ મળી ચાર ટીમો તપાસમાં જોડાઇ છે.

રસ્તા પરના સીસીટીવી અને ટેકનીકલ સોર્સની મદદ લઇ તપાસ હાથ ધરાઇ છે. જ્યારે ડોગ સ્કવોડની તપાસમાં કાંઇ ના નીકળતા પોલિસ પણ મુંઝાઇ છે. હાલમાં પોલિસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...