તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સલુઝિવ:3000 પરિવાર 71 વર્ષે મકાનના માલિક બનશે

પાટડી3 મહિનો પહેલાલેખક:  મનીષ પારીક
  • કૉપી લિંક
  • સિટી સરવેમાં માલિક મકાનમાં રહી શકે પણ વેચી ન શકે એવી K-1 કૅટેગરીમાં 3000 મકાનનો સમાવેશ કરી દેવાયો હતો
  • મકાનમાલિકોની સાદી અરજી લઈ સુઓમોટો રિવિઝનની દરખાસ્ત કરવા સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામકનો નિર્ણય

પાટડીમાં 3000થી વધુ મકાનોના માલિકીનો હક્ક હોવા છતાં સિટી સરવેના ચોપડે આ મકાનો ગેરકાયદે હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. સિટી સરવેમાં પાટડીનાં 3000થી વધુ મકાન K-1માં આવી ગયાં છે. એટલે કે આ મકાનમાં માલિકોને રહેવાનો હક્ક ખરો પણ વેચવાનો હક્ક નહીં. આ અંગે નગરપાલિકા દ્વારા છેક ગાંધીનગર સુધી રજૂઆત કરાતાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક દ્વારા મકાનધારકોની સાદી અરજી લઈ સુઓમોટો રિવિઝનની દરખાસ્તથી વર્ષો જૂનો વણઉકેલ પ્રશ્ન હલ થવાનો આશાવાદ જાગ્યો છે.

પાટડીમાં 1950થી ગ્રામ પંચાયત અમલમાં આવી ત્યારથી પાટડીની તમામ મિલકતો ગામતળ અને રહેણાક મુજબ આકારણી પત્રકે ચઢાવવામાં આવી હતી પરંતુ સિટી સરવે દ્વારા માપણી કરવામાં આવી ત્યારે કોઈ પણ આધાર-પુરાવા વગર ખાનગી માલિકીનાં 2800થી 3000 મકાન નવી શરત કે રાવડા હક્કની જમીનમાં ખોટી રીતે K-1 સત્તા પ્રકારમાં ચઢાવી દેવાયાં હતાં. જેના કારણે પાટડીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ માલિકીહક્કથી વંચિત છે. ત્યાર બાદ પાટડીનાં 40%થી પણ વધારે મકાનો સિટી સરવેમાં માપણી સમયે હક્ક ચોકસીમાં માલિકીના પુરાવા ધ્યાનમાં લીધા સિવાય ખાનગી માલિકીની મિલકત હોવા છતાં મિલકત ધારકોને સાંભળ્યા વગર સરકારશ્રીનું નામ ખાનગી મિલકતમાં દાખલ કરી દીધી છે.

આ અંગે પાટડી શહેર પૂર્વ ભાજપ પ્રમુખ સુરેશ ભાવસારે જણાવ્યું કે,પાલિકા પ્રમુખ મૌલેશ પરીખ, કારોબારી ચેરમેન ચેતન શેઠ સહિતના આગેવાનોએ ગાંધીનગર જઈને વિસ્તારપૂર્વક રજૂઆત કરતાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક દ્વારા લેન્ડ રેકર્ડ સુપરિન્ટેન્ડેન્ટને લેખિત જાણ કરી આવા મકાનધારકોની સાદા અરજી ફોર્મમાં સહી મેળવી સિટી સરવે કચેરી દ્વારા સુઓમોટો રિવિઝનની દરખાસ્ત કરવા માટેની જાણ કરી માલિકી હક્કના આધાર-પુરાવા રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

પાલિકાના ચોપડે 7305 મકાન, સિટી સરવેમાં 3486 જ પ્રોપર્ટી કાર્ડ
પાટડી પાલિકાના ચોપડે અત્યાર સુધીમાં કુલ 7305 મક‌ાન નોંધાયેલાં છે જ્યારે એની સામે સિટી સરવેમાં માત્ર 3486 મિલકતોના જ પ્રોપર્ટી કાર્ડ નીકળ્યાં છે. એમાંય પાટડીના 10%થી વધુ મકાનો એવાં છે કે એ મિલકત સિટી સરવેમાં ચઢેલી જ નથી અને અંદાજે 3000જેટલા મક‌ાનો K-1 માં આવી ગયાં છે.

પાટડીનાં આખેઆખાં 2 ગામ ગેરકાયદે ટેક્સ ભરવા છતાં લોકોને સુવિધા નહીં
પાલિકા હસ્તકનાં હિંમતપુરા, નારણપુરા ગામની 381 મિલકતનો પણ સિટી સરવેમાં ઉલ્લેખ ન હોવાથી આ બંને ગામ આખેઆખાં સરકારી ચોપડે ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું. બંને ગામના લોકો ટેક્સ ભરતા હોવા છતાં સુવિધા મળતી નથી.

અન્ય સમાચારો પણ છે...