ખારાઘોડાના રણમાં મીઠું પકવતા અંદાજે 2000 અગરિયા પરિવારો આજે પણ લાકડાંને ફૂંક મારી મારીને ચૂલા પર જ રાંધે છે. આ કારણે અગરિયા મહિલાઓમાં આંખની નબળાઈ તથા શ્વાસ રૂંધાવા સહિત ટીબીના રોગને વણમાગ્યું નોતરું મળે છે.
અગરિયાઓ પરિવારજનો સાથે દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન કંતાનનું ઝુપડું બાંધી મીઠું પકવે છે. એક અંદાજ પ્રમાણે રણમાં મીઠું પકવતી 60થી 65% અગરિયા મહિલાઓમાં આંખની નબળાઇ, શ્વાસ રૂંધાવાની સાથે ફેફસાંની તકલીફ અને ટીબીના રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે.
જ્યારે ખારા પાણીમાં સતત મીઠું પકવતા હોવાથી 90% અગરિયા ચામડીજન્ય રોગોથી પીડાય છે. આ અંગે ભલીબેન જણાવે છે કે, રણમાં સુસવાટા મારતા પવનના કારણે અમારા માટે ચૂલામાં રાંધવુ અસહ્ય થઇ જાય છે. અને જો કમોસમી માવઠાના કારણે લાકડા પલળી જતા અમારે ભૂખ્યાં રહેવાનો પણ વારો આવે છે.
મીઠું પકવતા કેટલાંક અગરિયાઓ ગેસ વાપરતા થયા
કેટલાક અગરિયાઓ ઉજ્જ્વલા યોજના અંતર્ગત ગેસજોડાણ મેળવી હવે ગેસના બાટલા પર રસોઇ બનાવતા થયા છે. તેઓ રણમાં ગેસનો બાટલો પુરો થાય એટલે વેપારી પાસે હપ્તો લેવા આવે ત્યારે ખાલી ગેસનો બાટલો લાવી એને ભરાવીને મોટરસાયકલ પર રણમાં લઇ જાય છે.
આરોગ્ય મોબાઈલ વાન સતત ફરતી રહે છે
આરોગ્ય વિભાગની એક મોબાઇલ વાન અગરિયા પરિવારો રહેતા હોય એ ગામડાઓમાં અને એક મોબાઇલ વાન રણમાં અગરિયાઓ મીઠું પકવતા હોય ત્યાં સતત ફરતી હોય છે. જેમાં રણમાં અગરિયા મહિલાઓ ચૂલામાં જ રાંધતી હોવાના કારણે ધુમાડો એમના ફેફસામાં જતા ફેફસાને લગતા રોગો અને ધુમાડાના કારણે આંખો નબળી પડવી કે શ્વાશ રૂંધાવાના કેસો મહદઅંશે જોવા મળે છે.
આગ લાગતાં લગ્ન પ્રસંગ બગડ્યો હતો
છનાભાઇ બબાભાઇના ઘેર લગ્નપ્રસંગ હોવાથી સરસામાન અને દાગીના લાવીને ઝુંપડામાં રાખ્યા હતા. દરમિયાન સાંજે ચૂલામાં આગ લાગવાથી ઝુંપડું સળગી ઊઠતા તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો અને ચાંદીના દાગીના સળગીને ગઠ્ઠામાં ફેરવાઇ જતા આખો લગ્નપ્રસંગ બગડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.