તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાટડી પાસે ટ્રીપલ અકસ્માતમાં યુવાનનું કમકમાટીભર્યું મોત, મહિલા અને બે બાળકો સહિત પાંચ લોકો ઘાયલ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડી પાસે ટ્રીપલ અકસ્માતમાં યુવાનનું કમકમાટીભર્યું મોત, મહિલા અને બે બાળકો સહિત પાંચ લોકો ઘાયલ - Divya Bhaskar
પાટડી પાસે ટ્રીપલ અકસ્માતમાં યુવાનનું કમકમાટીભર્યું મોત, મહિલા અને બે બાળકો સહિત પાંચ લોકો ઘાયલ
  • પાટડી ફાટક પાસે બે બાઇક અને જમ્બો ટ્રેલર વચ્ચે સર્જાયો ટ્રીપલ અકસ્માત

પાટડી તાલુકાના હિંમતપુરાનો યુવાન પોતાના મિત્ર સાથે બાઇકમાં પાટડી જઇ રહ્યો હતો અને માંડલનો યુવાન પોતાની પત્નિ અને બે બાળકો સાથે બાઇક પર આવી રહ્યા હતા ત્યારે સામેંથી માંતેલા સાંઢની માફક આવતા જમ્બો ટ્રેલર અને બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હિંમતપુરાના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. આ અકસ્માતમાં મહિલા અને બે બાળકો સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. પાટડી પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ ફરાર ટ્રેલર ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ ટ્રીપલ અકસ્માતની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના હિંમતપુરા ગામનો 20 વર્ષનો કલ્પેશ પ્રહલાદભાઇ ડુમાણીયા પોતાના મિત્ર કિશન સલાભાઇ પાટડીયા સાથે મોટરસાયકલ પર હિંમતપુરાથી પાટડી તરફ આવી રહ્યાં હતા અને સામેથી માંડલ ગામના સંજય વિઠ્ઠલભાઈ ઠાકોર પોતાની પત્નિ રમીલાબેન અને બે બાળકો સાથે મોટરસાયકલ પર આવી રહ્યાં હતા ત્યારે સામેંથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતા રાજસ્થાનના ટ્રેલર (નં RJ-27-GD-1654)ના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દઇ બંને બાઇકોને અડફેટે લેતા સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર હિંમતપુરાના કલ્પેશભાઇ પ્રહલાદભાઇ ડુમાણીયા પર ટ્રેલરના ટાયર ફરી વળતા એને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાની સાથે છુંદો બોલી જતા એનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

આ ગોઝારા અકસ્માતમાં હિંમતપુરાના કિશન સલાભાઇ પાટડીયા અને માંડલના સંજય વિઠ્ઠલભાઈ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યારે રમીલાબેન સંજયભાઇ ઠાકોર અને એમના બંને બાળકોને પણ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. અકસ્માત સર્જનાર રાજસ્થાનનો ટ્રેલર ચાલક અકસ્માતની ઘટનાથી થોડે દૂર મામાની ડેરી પાસે ટ્રેલર રોડ પર મુકી ફરાર થઇ ગયો હતો.

આ અકસ્માતના ઘટનાની જાણ થતા પાટડી પીએસઆઇ જે.બી.મીઠાપરા સહિતના પોલિસ સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી રાજસ્થાનના ટ્રેલર ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ મથકના બી.જે.સોલંકી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...