વેપારીઓમાં રોષ:થાનમાં નવા બાયપાસ રોડનું કામ શરૂ પણ 1 કિમી લંબાઈ ઘટી

થાન14 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાન સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધીનો સીસીરોડનું કામ 1 કિમી ઓછો કરવામાં આવ્યો છે. - Divya Bhaskar
થાન સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધીનો સીસીરોડનું કામ 1 કિમી ઓછો કરવામાં આવ્યો છે.
  • પહેલાંની જેમ 4.50 કિમી રાખવા ઉદ્યોગકારોની માગણી, સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધીનો 6.25 કરોડના ખર્ચે મંજૂર રોડનું કામ ગોકળગાય ગતિએ

થાનગઢનો બાયપાસ રોડ સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક ખુબ જ બિસમાર હોવાથી લોકોને અને ઉદ્યોગના વાહનોને પસાર થવામાં હાલાકી થતી હતી.આથી રોડ બનાવવા માગ કરાઇ હતી. જેને ધ્યાને લઇ તે વખતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે રૂ.6.25 કરોડની ગ્રાન્ટ ફાળવતા સીસી રોડ બનાવવાનું કામ હાથ ધરાયું હતંુ. 7 માસ જેટલો સમય વિતવા છતા ગોકળગાય ગતિએ ચાલતા આ સીસીરોડના કામને લીધે ટ્રક પલટી જવા સહિત અકસ્માતના બનાવો બન્યા છે. ત્યારે આ રોડ અગાઉ હતો એના કરતા 1 કિમી ઓછો કરી નખાતા લોકો અને ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો હતો.

આથી પાંચાળ સિરામિક એસોસિયેશનના પ્રમુખ સુરેશભાઇ સોમપુરા, ઉપપ્રમુખ શાંતીલાલ પટેલ, કારોબારી સભ્ય, કિરીટભાઇ પ્રજાપતિ, ઇશ્વરભાઇ પ્રજાપતિ, નીતિનભાઈ શાહ,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય ભગત સહિત આગેવાનોએ માર્ગમકાન રાજ્યમંત્રી પુર્ણેશ મોદીને લેખિત રજૂઆત કરી જેમાં જણાવ્યુ કે બાયપાસ રોડનું કામ જે પહેલા સાડાચાર કિમી જેટલુ નક્કી કરાયું હતું. જેમાં હાલ 1 કિમી ઘટાડી દઇ સાડાત્રણ કિમી રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે.આથી રસ્તાનું કામ પૂર્વવત રાખવા માગ કરી હતી.

1 કિમી ઓછો મંજૂર થયાનું કહે છે
સૂર્યાચોકથી ધોળેશ્વર ફાટક સુધીના રસ્તો સરકારે પૂરો આરસીસી બનાવવા નક્કી કર્યું હતું. પીડબલ્યુ અધિકારીએ સવા ત્રણ કિમી રોડ આરસીસીનો બનાવવાની જરૂર છે. આરસીસી રોડની અંદર સરકાર દ્વારા કરાતો હોવાથી ટૂંકાવીને ડામર કરવાનું નક્કી કર્યું. - સુરેશભાઇ સોમપુરા, પ્રમુખ, પાંચાળ સિરામિક એસોસિયેશન

પહેલાં રસ્તો સૂર્યાચોકથી ચાલુ કર્યો હતો
પહેલા રસ્તો સૂર્યાચોકથી શરૂ કરી અનશોયા કાટા સુધી 2 કિમીનો બનાવ્યો હતો. ત્યાંથી અધૂરું કામ મુકી હવે ધોળેશ્વર ફાટકથી રોડ બનાવવાનું કામ શરૂ કર્યું. - શાંતિલાલ પટેલ, ઉપપ્રમુખ, પાંચાળ સિરામિક એસો.

અન્ય સમાચારો પણ છે...