દંપતી પર હુમલો:પાટડીના મેરા ગામમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા, પતિ પર હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા સારવાર હેઠળ, ઘરમાં લોહિના ખાબોચિયા ભરાયા

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
પાટડીના મેરા ગામમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા, પતિ પર હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા સારવાર હેઠળ
  • મેરા ગામમાં દંપતી પર છરી વડે હુમલો કરાયો, પોલીસ ઘટના સ્થળે પહોંચી
  • ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરામાં દંપતી પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ મહિલાના પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ ચકચારી ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલીસ ટીમે ગામમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે આ ઘટના બાદ મેરા ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

ઘટનાની જાણ થતાં દલિત સમાજના લોકોના ટોળેટોળા ઉમટ્યાં
મેરા ગામમાં દલિત દંપતી પર ઘાતક હુમલો કરવામાં આવતા ઘરમાં લોહિના ખાબોચિયા ભરાયા હતા. મહિલાનું ગળું કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડી છે. આ ગોઝારી ઘટનાની જાણ થતાં દલિત સમાજના લોકોના ટોળેટોળા મેરા ગામે દોડી ગયા હતા. ત્યારે પાટડીના મેરા ગામમાં દંપતી પર ઘાતક હુમલો થયો હતો. જેમાં મહિલાનું મોત થયું છે. જ્યારે એના પતિને પણ ગળાના ભાગે જ છરીના ઘા ઝીંકી દેવામાં આવતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જેથી તેને મહેસાણાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

દસાડા (પાટડી) તાલુકાના મેરા ગામે દલીત દંપતિ પર ઘાતક હુમલામાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યાના બનાવ બાદ ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ છે. ત્યારે આ ચકચારી ઘટનાની જાણ થતાં દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને વિક્રમ રબારી સહિતના કોંગ્રેસી આગેવાનો મેરા ગામે દોડી ગયા હતા.

કોઈ અજાણ્યા લોકોએ ઘરમાં પ્રવેશી હુમલો કર્યો
ઉલ્લેખનીય છે કે, રાત્રિ દરમિયાન પાલાભાઈ સોલંકી અને તેમના પત્ની ઘરમાં હતા. તે સમયે કોઇ અજાણ્યા લોકોએ ઘરમાં પ્રવેશ મેળવી અને દંપતી પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન વર્તાઈ રહ્યું છે. ત્યારે મહિલાનું ગળું કાપી અને રૂમમાં જ હત્યા કરી નાખવામાં આવી છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. અતિ ક્રૂરતા ભર્યો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યો છે. જેને લઇને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. મહિલાના પતિ ઉપર પણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. તેમને સારવાર માટે મહેસાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાનું ગામ ગણાતું મેરા ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. નાના એવા ગામમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે. ત્યારે રાત્રિ દરમિયાન મેરા ગામે ઘરમાં આરામ કરી રહેલા પતિ-પત્ની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
પાટડી તાલુકાના મેરા ગામે બનેલી ચકચારી ઘટનામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન વકરે તે માટે તાત્કાલિક પણે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.ડી ચૌધરી અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. કોઈ પણ પ્રકારની મારા મારી તેમજ અન્ય બનાવો ન બને એવા સઘન પ્રયાસો પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે હત્યારાઓએ કેમ હત્યા કરી ? અને કોણે હત્યા કરી ? તેને લઈ આ મામલે આગળની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
મહિલાની ડેડબોડીને મેરા ગામેથી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ પાટડી ખાતે લાવવામાં આવી છે. ત્યાં પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા પીએમ પણ શરૂ કરાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયાસો જિલ્લા પોલીસતંત્રએ હાથ ધર્યા છે.

જિલ્લામાં 17 દિવસમાં 5 હત્યાના બનાવ
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 17 દિવસમાં 5 અલગ-અલગ સ્થળ ઉપર હત્યાના બનાવો સામે આવ્યા છે. જેનું એપી સેન્ટર વઢવાણ રહ્યું છે. વઢવાણમાં જ બે હત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યાર બાદ છેલ્લા ચાર દિવસમાં જિલ્લાના અલગ-અલગ સ્થળોમાં વઢવાણ, પાટડી સહિતના ગામોમાં હત્યાના બનાવો સામે આવ્યા છે.

આ ઘટનાની જાણ થતાં દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોલંકી સાથે મેરા તાલુકા પંચાયતનાં સદસ્ય જીગાજી ઠાકોર, દસાડા તાલુકા પંચાયત વિરોધપક્ષનાં નેતા જયંતિ રાઠોડ, દલિત આગેવાન બાબુ સોલંકી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમ રબારી, મેરા ગામના સરપંચ વિનુ ચાવડા તથા અન્ય ગ્રામજનો હાજરીમાં રૂબરૂ પિડીત પરિવારજનોની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. મેરા ગામે દોડી આવેલા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સહિતના પોલીસ અધિકારીઓ સાથે આ મામલે ઝડપી કાર્યવાહી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...