ડેમ નર્મદાના નીરથી છલકાયો:વગર વરસાદે હળવદનો શક્તિ સાગર ડેમ છલોછલ ભરાયો, ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ બંધ કરવામાં આવી

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વગર વરસાદે હળવદનો શક્તિ સાગર ડેમ છલોછલ ભરાયો - Divya Bhaskar
વગર વરસાદે હળવદનો શક્તિ સાગર ડેમ છલોછલ ભરાયો
  • ડેમ તેની પૂર્ણ સપાટીએ એટલે કે 17.50 ફૂટે પહોંચી ગયો
  • ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ તાત્કાલિક ચાલુ કરી હાલ ડેમને સંપૂર્ણ ભરી દેવાયો
  • પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકાને એક મહિનો ચાલે એટલું પાણી

ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે થઈને તાજેતરમાં જ ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ થકી હળવદમાં આવેલો બ્રાહ્મણી-2 ડેમ(શક્તિ સાગર ડેમ) ભરવામાં આવ્યો છે. હાલ ડેમ તેની પૂર્ણ સપાટીએ એટલે કે 17.50 ફૂટે પહોંચી ગયો છે, જેથી પાંચ જિલ્લાને એક મહિનો સુધી પાણી મળી રહે એટલું પાણી ડેમમાં ભરી દેવાયું છે. સાથે જ ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ બંધ પણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

હળવદમાં આવેલા બ્રાહ્મણી-2 ડેમમાંથી પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને બલ્ક પાઇપલાઇન થકી gwil(ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમજ પાણી પુરવઠા બોર્ડ દ્વારા પણ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના 38 ગામોને એનસીડી-4 જુથ યોજના દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે. જો કે થોડા સમય પહેલા ડેમમાં પાણીનો જથ્થો ઘટી ગયો હોવાથી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ તાત્કાલિક ચાલુ કરી હાલ ડેમને સંપૂર્ણ ભરી દેવાયો છે

સાથે જ બલ્ક પાઇપલાઇન થકી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરરોજનું 100થી 110 એમએલડી પાણીનો ઉપાડ કરી રહ્યું છે. તેમજ પાણી પુરવઠા બોર્ડ 10થી 12 એમએલડી પાણીનું વિતરણ કરી રહ્યું છે. જેથી એક અંદાજ મુજબ પાંચેય જિલ્લાને એક મહિના સુધી પાણીની સમસ્યા ન સર્જાય એટલો પાણીનો જથ્થો હાલ બ્રાહ્મણી-2 ડેમમાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે વરસાદ ખેંચાશે તો હજુ પણ એક વખત બ્રાહ્મણી-2 ડેમ ભરવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા બ્રાહ્મણી-2 ડેમમાં પીવાના પાણીનો જથ્થો અનામત હોવાથી ગેરકાયદેસર પાણી લેવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...