ઘેર બેઠા આરતીનો લ્હાવો:ઈન્ટરનેટના માધ્યમથી હવે વિદેશમાં બેસેલા લોકો પણ પાટડી શક્તિમાતા મંદિરની આરતીના કરી શકે છે દર્શન

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાધ્યાં હતા. જેમાં પહેલુ તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતુ. આથી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમિ ગણાતા એવા પાટડી શક્તિમાના મંદિરે દર પૂનમે થતી ભવ્ય આરતીનો લાભ સાત સમંદર પાર બેઠા શ્રધ્ધાળુઓ ઘેર બેઠા ઇન્ટરનેટના માધ્યમથી લાઇવ જોઇ શકે છે.

પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખુબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાધ્યાં હતા. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતુ. અને દી' ઉગતા પહેલા છેલ્લું તોરણ દિગડીયા ગામે બાધ્યું હતુ. આમ તેઓ 2300 ગામોના ધણી કહેવાયા. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયું હતુ.

એક દિવસ શક્તિમાતાએ ઝરૂખામાંથી બેઠા બેઠા જ હાથ લંબાવીને રાજકુમારોને ગાંડા બનેલા મંગલા નામના હાથીથી બચાવ્યા હતા. આ પ્રસંગથી માં શક્તિદેવીનું દૈવીપણું જાહેર થઇ ગયુ એટલે તેઓ ત્યાંથી નિકળીને ધામા ગામે વસ્યા હતા. અને વિ.સં. 1171ચૈત્ર વદ-13ના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયા હતા. આથી શક્તિમાતાની પ્રાગટ્યભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્રવદ-13ના રોજ ઝાલાકુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે પાટડી શક્તિમાતાના મંદિર અને ધામા શક્તિમાતાના મંદિરે દર્શનાર્થે અચૂક જાય છે. આજે પાટડી અને ધામામાં શક્તિમાતાનું ભવ્ય મંદિર ઊભું છે.

એમાય પાટડી શક્તિમાતાના મંદિરે દર મહિનાની પૂનમે હેકડેઠેઠ માનવ મહેરામણ વચ્ચે ભવ્ય નવચંડી હવન અને મહા પ્રસાદનું સુંદર આયોજન હાથ ધરાય છે. અને પાટડી શક્તિમાતાના મંદિરે દર મહિનાની પૂનમે હજારો શ્રધ્ધાળુઓ વચ્ચે મંદિરમાં યોજાતી ભવ્ય આરતીનો લ્હાવો સાત સમંદર પાર બેઠેલા હજારો શ્રધ્ધાળુઓ એમના ઘેર બેઠા ઇન્ટરનેટના માધ્યમથી લાઇવ નિહાળી શકે છે. આ યોજનાથી ગુજરાત કે ભારતનાં જ નહીં પરંતુ વિદેશોમાં વસતા શ્રધ્ધાળુઓ પણ ઘેર બેઠા આરતીનો લાભ મેળવી રહ્યાં છે. આ અંગે પાટડી શક્તિમાતા મંદિરના રસીકભાઇ પટેલ જણાવે છે કે, ઇન્ટરનેટના માધ્યમથી શક્તિમાતાજીના મંદિરની લાઇવ આરતીની યોજનાને પ્રચંડ સફળતા મળતા હવે દેશ-વિદેશના હજારો શ્રધ્ધાળુઓ આ યોજનાનો લાભ લેતા થયા છે.