લાપતા હેડ કોન્સ્ટેબલ:પત્નીએ 24 કલાકથી અન્ન-જળ ન લીધું, સમજાવટ બાદ ચા-પાણી પીધાં

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ લોકેશન-CCTV સહિતની તપાસ ચાલુ છે : પોલીસવડા

વઢવાણ પોલીસ મથકમાંથી જ હેડ કોન્સ્ટેબલ લાપતા થતા ચકચાર ફેલાઇ હતી. બનાવના પગલે હેડ કોન્સ્ટેબલના પત્ની અને માતાએ અન્ન-જળના ત્યાગ કર્યો હતો. જ્યારે સમજાવટ બાદ બાધા છોડાવીને ચા-પાણી પીવડાવ્યા હતા. પરંતુ માતા અને પોલીસકર્મીના પત્ની હજુ પણ અન્ન ન લેતા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે સોમવારે બનેલા બનાવને લઇ હજુ સુધી દિકરાની ભાળ મળી નથી તેમ પોલીસકર્મીના પિતાએ જણાવ્યું હતુ.

વઢવાણ પોલીસ મથકમાંથી હેડકોન્સ્ટેબલ રણજીતસિંહ દિપસંગભાઈ સોલંકી લાપતા થયા હતા. આ બાબતે તેમના પિતાએ પીએસઆઈ પર આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. દિપસંગભાઈ વાઘુભા સોલંકીને સંતાનમાં 2 દીકરા છે. જેમાં મોટો દીકરો રાજકોટ પોલીસમાં ફરજ બજાવે છે જ્યારે નાનો દીકરો રણજીતસિંહ સુરેન્દ્રનગર પોલીસ ક્વાર્ટરમાં રહીને વઢવાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.

આ અંગે હેડ કોન્સ્ટેબલના પિતા દિપસંગભાઈ સોલંકીએ જણાવ્યુ કે, જ્યાં સુધી રણજીતસિંહ પાછા ન આવે ત્યા સુધી પત્ની અને માતાએ અન્ન-જળ ત્યાગ કર્યો હતો. અને બાધા લીધા બાદ 24 કલાક અન્ન-જળ લીધુ ન હતુ. પરિવારજનોએ સમાજવતા તેમના પત્નીએ ચા-પાણી પીધા હતા પરંતુ હજુ તેમના પત્ની અને માતા અન્ન નથી લેતા. અમારા દીકરાની ભાળ હજુ સુધી કોઇ મળી નથી.

માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ કે દિકરો હેમખેમ હોય અને અમને મળે. આ અંગે જિલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાતે જણાવ્યું કે, આ બનાવમાં તેઓની શોધખોળ ચાલુ છે. લાપતા હેડ કોન્સ્ટેબલના મોબાઇલ લોકેશન તેમજ સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...