આજે સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ પુરા થવા બદલ અમૃત મહોત્સવની ઊજવણી કરી રહ્યોં છે. ત્યારે સને 1947માં ભારતે આઝાદી પ્રાપ્ત કરી ત્યારે નમક સત્યાગ્રહની ફલશ્રુતિ રૂપે ગાંધી-ઇરવીન કરાર થયો હતો. જેમાં નક્કી થયુ હતુ કે, દશ એકર સુધીની જમીન પર વગર લાઇસન્સે સરકારની પરવાનગી વિના મીઠું ઉત્પન્ન કરવાનો અને વેચવાનો દરેકનો અધિકાર છે. ત્યારબાદ ઝીંઝુવાડા રણમાં 25 અગરિયાઓને જ મીઠું પકવવાની મંજૂરી મળી હતી.
સને 1930-31ના નમક સત્યાગ્રહના આંદોલન દ્વારા મીઠા અંગેના તમામ નિયંત્રણોનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હતો. અન્યાય સામેં ભારતની પ્રજા માથું ઉંચકી શકે છે અને ન્યાય મેળવી શકે છે એની પ્રતીતિ નમક સત્યાગ્રહે બરાબર કરાવી આપી હતી. સત્યાગ્રહ પછી લોર્ડ ઇરવીને ગાંધીજીને વાટાઘાટો માટે બોલાવ્યા હતા ત્યારે લોર્ડ ઇરવીને બ્રિટીશ શિરસ્તા પ્રમાણે ગાંધીજીએ ચા આપી ત્યારે ગાંધીજીએ ચમચીથી ખાંડ લેવાના બદલે એક પડીકી કાઢી સફેદ ભૂકી પોતાના કપમાં નાંખી હતી. ત્યારે લોર્ડ ઇરવીને આ જોઇ આશ્ચર્ય વચ્ચે પુછ્યું 'શું નાખ્યું ?' ત્યારે એક વિચીત્ર સ્મિત સાથે ગાંધીજીએ જવાબ આપ્યો 'મીઠુ'. ઈરવીન ત્યારે તુરત જ સમજી ગયા કે ગાંધી આજે મીઠા માટે આવ્યા હતા.
1947માં ભારતે આઝાદી પ્રાપ્ત કરી ત્યારે નમક સત્યાગ્રહ ફલશ્રુતિ રૂપે ગાંધી-ઇરવીન કરાર થયો હતો. આ ગાંધી-ઇરવીન કરાર બાદ એવું નક્કી થયુ હતું કે, દશ એકર સુધીની જમીન પર વગર લાઇસન્સે સરકારની પરવાનગી વિના મીઠું ઉત્પન્ન કરવાનો અને વેચવાનો દરેકને અધિકાર છે. આ કરાર પછી જ પાટડીના લગભગ 25 અગરિયાઓને ઝીંઝુવાડામાં જમીન મેળવી મીઠું ઉત્પાદન કરવાનો પ્રારંભ કર્યો હતો. તેઓએ ઉત્પન્ન કરેલા મીઠાનું વેચાણ પણ કરતા આજે વેપારીઓ અને સહકારી મંડળીઓ વિપુલ જથ્થામાં મીઠું પકવે છે અને તેનું વેચાણ પણ કરે છે.
'નમક સત્યાગ્રહ' દ્વારા ગાંધીજીનો મુખ્ય આશય તો આઝાદીના આંદોલનને દેશની સામાન્ય જનતાના હ્રદયમાં ગાજતુ કરવાનો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 'નમક સત્યાગ્રહ' માટે દાંડી કૂચનું ઐતિહાસીક પ્રસ્થાન કર્યુ હતુ. ગાંધીજીની આગેવાની હેઠળ દાંડી પહોંચેલી ટૂકડીએ સરકારી અગરમાંથી મીઠું લઇ સરકારી પ્રતિબંધોનો છડેચોક ભંગ કર્યો હતો. ગાંધીજીની મીઠા સત્યાગ્રહની આ હાકલને અનુસરીને પાટડી-ખારાઘોઢાનું મીઠું લેવા માટે સત્યાગ્રહીઓની ટૂકડીઓ મોકલવા માંડી હતી. એની એક ખાસ શાખા પાટડીના જડેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવી હતી.
પાટડીની આ સત્યાગ્રહ છાવણીમાં પ્રાણજીવનદાસ વ્રજલાલ દેસાઇ, ભૂપતભાઇ વ્રજલાલ દેસાઇ, મોહનભાઇ ઠક્કર, રામભાઇ પરીખ, પૂંજાલાલ, ત્રિભોવનદાસ ઠક્કર અને દયારામ આત્મારામ સહિતના આગેવાનો સેવા આપવા લાગ્યા હતા. પાટડીમાં બિનજકાતી મીઠું વેચવાની શરૂઆત થતા જ ખારાઘોઢાના સોલ્ટ ખાતાની પોલીસનો પાટડીમાં ખડકલો કરી દેવામાં આવ્યો હતો. ત્યારે પાટડી ગામે સોલ્ટ ખાતાની પોલિસનો સંપૂર્ણ સામાજિક બહિષ્કાર કર્યો હતો.
એ સમયે કુલકર્ણીની સરદારી નીચે 75 સત્યાગ્રહીઓની ટીમેં ખારાઘોઢાથી મીઠું ઊપાડ્યું તેથી પોલિસ ભૂખ્યા વરૂઓની માફક સત્યાગ્રહીઓ પર તૂટી પડ્યા હતા. પછી તો પાટડી જડેશ્વર મહાદેવની સત્યાગ્રહ છાવણી ખારાઘોઢાથી પોલિસના હાથે ઘાયલ થયેલા સત્યાગ્રહીઓથી ઊભરાવવા લાગી હતી.
પોલીસના સિતમનો ભોગ બનેલા સત્યાગ્રહીઓ જળેશ્વર મહાદેવની પડાળીમાં સારવાર મેળવતા હતા. મીઠા સત્યાગ્રહના દિવસોમાં પાટડીના મધ્યભાગમાં આવેલા માંડવી વિસ્તારના ઊંચા ચબુતરા પર ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો. એ સમયે વર્ષ 1930-31માં પાટડી નમક સત્યાગ્રહ સમિતીનો અહેવાલ ભૂપતભાઇ દેસાઇએ છપાવીને પ્રસિદ્ધ કર્યો હતો. જેની લગભગ બધી જ નકલો બ્રિટીશ સરકારે જપ્ત કરી હતી. મહાત્મા ગાંધીજીની જેલ મુક્તિનો દિવસ ઉજવવામાં પાટડીએ પણ અદભૂત ઉમળકો બતાવ્યો હતો.
એ સમયે પાટડીમાંથી એક વિરાટ વિજય સરઘસ પણ નિકળ્યું હતુ. વર્ષ 1930-31ના સ્વાતંત્ર્ય સંગ્રામે પાટડી અને આસપાસના ગામડાઓમાં તેમજ સારા દેશમાં આઝાદીની તમન્ના જગાડી હતી. આ લડતે ભાવી લડતો માટે લાખો સૈનિકો તૈયાર કરી દીધા હતા. આજેય પાટડી જડેશ્વર મહાદેવ મંદિરની સત્યાગ્રહ છાવણી ભવ્ય ભૂતકાળની ઐતિહાસીક યાદો પુરી પાડે છે. આજે સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા બદલ અમૃત મહોત્સવની રંગેચંગે ઊજવણી થઇ રહી છે. ત્યારે આજે એ જ મીઠું મુઠ્ઠીમાં પકડીને ક્રાન્તી સર્જનારા લોકોને શોધે છે એ પણ નરી વાસ્તવિકતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.