એસટી બસ સ્ટેશનમાં પાણી ભરાયા:શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટાથી હોસ્પિટલ, ST બસ સ્ટેશનમાં પાણી

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરમાં શુક્રવારે ભારે પવન-વીજળી સાથે વરસાદી ઝાપટાથી શહેરની ગાંધી હોસ્પિટલ તેમજ એસટી બસ સ્ટેશનમાં પાણી ભરાઇ ગયા હતા. પરંતુ શનિવાર પણ તેનો નિકાલ ન થતા સારવાર માટે આવતા દર્દીઓ અને મુસાફરી માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હોવાની રાવ ઉઠી હતી.

સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન સૌથી મોટી સરકારી ગાંધી હોસ્પિટલમાં દરરોજની 400થી ઓપીડી નોંધાઇ રહી છે. જેના કારણે શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકો અહીં સારવાર માટે આવે છે. તો બીજી તરફ આ હોસ્પિટલની સામે જ જિલ્લાનો મોટુ એસટી બસ સ્ટેશન પણ છે જેમાં દરરોજ અંદાજે 10,000થી વધુ જિલ્લા તેમજ જિલ્લા બહારના મુસાફરો મુસાફરી કરવા માટે આવ-જા કરે છે. પરંતુ આ બંને સ્થળોએ પ્રાથમિક સુવિધાઓ સહિતનો અભાવ હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની રાવ ઉઠી છે.

શુક્રવારે પવન, વીજળી સાથે પડેલા સામાન્ય વરસાદી ઝાપટાઓના કારણે ગાંધી હોસ્પિટલમાં તેમજ બસ સ્ટેશનનાં મેદાનમાં પાણી ભરાઇ ગયા હતા. પરિણામે બંને સ્થળોએ સામાન્ય વરસાદી પાણીના નિકાલનો પણ શનિવારે કોઇ ઉકેલ ન હોવાનો ઘાટ સર્જાયો હતો. હોસ્પિટલના અનેક સ્થળોએ વરસાદી પાણીથી સારવાર માટે આવતા દર્દીઓ તેમજ બસ સ્ટેશનમાં મુસાફરી માટે આવતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. આ અંગે દર્દીઓ અને મુસાફરોએ જણાવ્યું કે સામાન્ય વરસાદમાં જ આવી હાલત છે ત્યારે વધુ વરસાદ આવશે ત્યારે કેવી પરિસ્થિતિ થશે ? આથી જવાબદાર તંત્ર દ્વારા વરસાદી પાણીનો તુરંત નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...