રોગચાળાની મોસમ:બેવડી ઋતુમાં વાઇરલ ઘર કરી ગયો

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં વાઈરલ રોગચાળો વધતા દર્દીઓ સારવાર માટે ગાંધી હોસ્પિટલ આવી રહ્યા છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં વાઈરલ રોગચાળો વધતા દર્દીઓ સારવાર માટે ગાંધી હોસ્પિટલ આવી રહ્યા છે.
  • સવારે ઠંડક, બપોરે ગરમીને લીધે વાઇરલ ફિવર, શરદીના રોજના 1 હજાર કેસ
  • વાઇરલ ઝડપથી ફેલાતો હોવાથી આખેઆખા પરિવાર સપડાઈ રહ્યા છે

ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ બેવડી ઋતુ પણ શરૂ થઈ છે. સવારે ઠંડક અને આખો દિવસ ગરમી અનુભવાઈ રહી છે અને સવાર અને બપોરના તાપમાનમાં 4થી 10 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. આ બેવડી ઋતુને કારણે ઝાલાવાડમાં વાઇરલ બીમારીઓ ઘર કરી ગઈ છે. ઘેરઘેર વાઇરલ તાવ અને શરદીના દર્દીઓ જોવા મળી રહ્યા છે અને ચેપીરોગ હોવાને કારણે આખેઆખા પરિવાર સપડાઈ રહ્યા છે.

1થી 7 સપ્ટેમ્બર સુધીમાં સવાર અને બપોરના તાપમાનમાં 4થી 10 ડિગ્રીનો તફાવત
વર્તમાન સમયે જિલ્લામાં રોજ 3 હજારથી વધુ દર્દી સરકારી, ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેવા આવે છે, 1 હજારથી વધુ દર્દીને વાઇરલની અસર હોવાની વિગતો ધ્યાને આવી છે. ભાદરવા મહિનામાં ચોમાસામાં ભરાયેલાં પાણી, નવાં પાણીને કારણે પાણીજન્ય રોગો જેમ કે મલેરિયા, ટાઇફોઇડ, ઝેરી મલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ ખૂબ વધતું હોય છે પરંતુ ભાદરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જિલ્લામાં સરકારી ચોપડે મલેરિયાના માત્ર 11 કેસ જ નોંધાયા છે. તેની સામે વાઇરલના કેસના પ્રમાણમાં સૌથી વધુ જોવા મળ્યા છે.

સુરેન્દ્રનગરની ગાંધી હૉસ્પિટલમાં રોજ દર્દીની સંખ્યામાં 100થી 150નો વધારો નોંધાયો છે. જિલ્લાની સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં સરેરાશ 3000થી વધુ દર્દી આવતા હોય છે, તેમાંથી 1000થી વધુ દર્દી વાઇરલનો ભોગ બનેલા જોવા મળી રહ્યા છે. આ વાઇરલ કોરોનાની જેમ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્તમાન સમયે જે વાઇરલના કેસો વધી રહ્યા છે, તેની પાછળ ખાસ કરીને હવામાન મહત્ત્વની બાબત હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે જિલ્લામાં સવારે વાતાવરણ ઠંડું હોય છે અને બપોરના સમયે ઉનાળા જેવી ગરમી લાગે છે. વાઇરલને ફેલાતો અટકાવવા લોકો ફરીથી માસ્ક પહેરે તે ખૂબ જરૂરી બની ગયું છે.

વાતાવરણમાં સવારનો ઠંડો પવન, બપોરે ગરમી કારણભૂત
જિલ્લામાં વર્તમાન સમયે નવરાત્રીમાં સવારે જે રીતે ઠંડો પવન ફૂંકાય છે, તે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે અને બપોરના સમયે ઉનાળાની જેમ ગરમી પડી રહી છે. જેને કારણે લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. આવા વાતાવરણમાં અમારે ત્યાં જે દર્દીઓ રિપોર્ટ કરાવવા માટે આવે છે તેમાં સૌથી વધુ વાઇરલના કેસ જોવા મળી રહ્યા છે.’ > કમલેશભાઈ રાવલ, લેબોરેટરી સંચાલક

જિલ્લાનાં 4 ગામ મલેરિયાના હાઈ રિસ્ક ઝોનમાં
લખતરના સદાદ, કેસરિયા, ઘણાદ ગામ જ્યારે થાનનું જામવાળી ગામ મલેરિયાના હાઈ રિસ્ક ઝોનમાં આવી ગયાં છે. આથી વેક્ટર કન્ટ્રૉલની 26 ટીમ કામે લાગી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...