ચીમકી:દસાડા CHCના તબીબની બદલી રોક્વા ગામલોકોની માગ, બદલી ના રોકાય તો ભૂખ હડતાળની ચીમકી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બદલીના કારણે તબીબ રાજીનામું આપવા મક્કમ

દસાડા સીએસસીના ડોક્ટર દ્વારા કોરોના દર્દીઓ માટે ઓક્સિજન માંગવાના બદલે દાહોદ બદલી કરાતા દસાડા ગ્રામજનો ગુરૂવારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધસી જઇ આ બદલી રોકવામાં નહીં આવે તો ભૂખ હળતાળની ચિમકી ઉચ્ચારાતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. જ્યારે બીજી બાજુ ડો.પાર્થ પટેલ રાજીનામું આપવા હજી મક્કમ હોવાનું જાણવા મળ્યું છે.

સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કે.રાજેશ અને દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી વચ્ચે પાછલા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓને ઓક્સિજનના મામલે ટ્વીટર યુધ્ધ ચાલી રહ્યું છે. જેમાં દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્રના યુવા ડોક્ટર પાર્થ પટેલ દ્વારા લેખીતમાં 25 બેડની વેન્ટીલેટર સુવિધાવાળા દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કોવિડના 25 દર્દીઓ માટે ઓક્સિજનની તાકીદે જરૂર હોવાની કલેક્ટરને લેખીત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર કે.રાજેશની તપાસમાં આવુ કાંઇ માલુમ ન પડતા કલેક્ટરની સુચનાથી દસાડાના ડો.પાર્થ પટેલની સજાના ભાગરૂપે દાહોદ બદલી કરવામાં આવી હતી.

જેમાં આજે દસાડાના ગ્રામજનો ફરી દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધસી ગયા હતા. અને આ કેસમાં દસાડાના ડોક્ટર દ્વારા કલેક્ટર પાસે દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધાઓ માંગી હતી. જેમાં દસાડાના એક દર્દીનું ઓક્સિજનના અભાવે અકાળે મોત નિપજ્યું હતુ. બીજી બાજુ દસાડાના ડોક્ટરની દાહોદ બદલી કરવામાં આવી હતી. આથી આ બદલી તાકીદે રોકવામાં નહીં આવે તો ભૂખ હડતાળની ચિમકી પણ દસાડા ગ્રામજનોએ સામુહિક રીતે ઉચ્ચારી હતી. બીજી બાજુ સીસ્ટમથી નાસીપાસ થયેલો સેવાભાવી યુવા ડોક્ટર હજી પણ રાજીનામુ આપવા અડગ છે.

દસાડાના ધારાસભ્યએ પાટડી કોવિડ કેર સેન્ટરને ઓક્સિમીટર આપ્યા
દસાડાના ધારાસભ્યએ અઠવાડિયા અગાઉ પાટડી કોવિડ કેર સેન્ટરની મુલાકાત સમયે રૂ. 20 લાખના ગ્રાન્ટની ફાળવણી કરી હતી. અને બુધવારે પાટડી કોવિડ કેર સેન્ટરની મૂલાકાત સમયે ડો.શ્યામલાલ રામે ઓક્સિમીટર સહિતની વિવિધ સુવિધાઓ માટે જણાવતા ધારાસભ્ય નૌશાદભાઇ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલને 10માંથી 5 ઓક્સિમીટર આજે જ બજારમાંથી ખરીદીને પૂરા પાડવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...