100 વર્ષ જૂની શાળા:પાટડીની શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ભવ્ય સંમેલનમાં દિગજ્જોનું સન્માન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીની શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ભવ્ય સંમેલન યોજાયું - Divya Bhaskar
પાટડીની શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ભવ્ય સંમેલન યોજાયું
  • સેવા નિવૃત્ત શિક્ષકો, બોર્ડમાં અવ્વલ નંબર લાવનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ડોક્ટરો, પોલીસ ઓફિસરોનું સન્માન
  • આ શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાએ પહોંચી શાળાનું નામ રોશન કરનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું

પાટડી ખાતે આવેલી 100 વર્ષથી પણ પુરાણી રાજા રજવાડાના સમયની ઐતિહાસિક હાઇસ્કુલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભવ્ય સંમેલન યોજાયું હતુ. આ સંમેલનમાં સેવા નિવૃત્ત શિક્ષકો, બોર્ડમાં અવ્વલ નંબર લાવનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ડોક્ટરો, પોલીસ ઓફિસરો, આર્મી જવાનો સહિત આ શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાએ પહોંચી શાળાનું નામ રોશન કરનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.

પાટડીની રાજા રજવાડા સમયથી ભવ્ય ભૂતકાળને વાગોળતી ઝાલાવાડ પંથકની આ એકમાત્ર એવી શાળા છે. જ્યાં 11 હજાર ચો.વાર જેટલું વિશાળ ઐતિહાસિક મેદાન છે. અગાઉ આ શાળાને ઝાલાવાડ પંથકની શ્રેષ્ઠ નિર્મમ શાળાનો એવોર્ડ પણ મળેલો છે. સને 1906માં રાજા સૂર્યમલસિંહજીએ પાટડી ખારાઘોઢા રોડ પર ઐતિહાસિક હાઇસ્કુલ બંધાવી હતી.

હાલમાં પાટડીની સુરજ મલજી હાઇસ્કુલમાં ધોરણ 8થી 12ના અંદાજે 1000જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અગાઉ જીલ્લાની શ્રેષ્ઠ નિર્મમ શાળાનો એવોર્ડ મેળવનાર આ હાઇસ્કુલની સૌથી મોટી ખાસીયત એ છે કે, આ હાઇસ્કુલને ફરતે અંદાજે 750 જેટલા વૃક્ષો હવા સાથે વાતો કરતા લહેરાઇ રહ્યા છે.

પાટડી ખાતે આવેલી 100 વર્ષથી પણ પુરાણી રાજા રજવાડાના સમયની ઐતિહાસિક હાઇસ્કુલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભવ્ય સંમેલન યોજાયું હતુ. જેમાં અંદાજે 1500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંમેલનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સંમેલનમાં સેવા નિવૃત્ત શિક્ષકો, બોર્ડમાં અવ્વલ નંબર લાવનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ડોક્ટરો, પોલીસ ઓફિસરો, આર્મી જવાનો સહિત આ શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાએ પહોંચી શાળાનું નામ રોશન કરનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.

આ સંમેલનમાં શાળાનું રૂણ અદા કરવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ દાનની સરવાણી વહાવડાવી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઘણા વર્ષો બાદ એકબીજાને મળીને શાળાના સંસ્મરણો અને જૂની યાદોને વાગોળી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત બોર્ડમાં સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે પાસ થનારા ભૂતપૂર્વ વિદ્યાર્થી વી.સી.ઝાલા, પાટડી બીએસએનએલના નિવૃત્ત કર્મચારી અને ચેસ ચેમ્પીયન રહી ચૂકેલા વિરેન્દ્રસિંહ ઝાલા, પી.આઇ.કનુભાઇ રબારી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક હર્ષદભાઇ જોશી, ડોક્ટર કૃણાલ દેસાઇ સહિતના દિગ્ગજો અને કોરોના વોરિયર્સનું પણ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી તાળીઓના ગડગડાટથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ સહિતના ગામ આગેવાનો અને ગુજરાત ભરમાંથી અને પર પ્રાંતમાંથી આવેલા 1500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઇ કંસારા, દિનેશભાઇ હાલાણી, નરેશભાઇ પંચોલી, વિરેન્દ્રસિંહ ઝાલા, ફાલ્ગુનીબેન ખારા અને ભારતીબેન પ્રજાપતિ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...