સુરેન્દ્રનગરમાં જથ્થાબંધ અને છૂટક વેપાર-ધંધાથી ધમધમતી મહેતા માર્કેટમાં ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવા જેવી બની છે. ટ્રાફીકનાં નિયમો નેવે મુકીને વાહનો આડેધડ પાર્ક થતા હોવાથી મહેતા માર્કેટમાં ટ્રાફીક પોઈન્ટ મુકવા વેપારીઓ દ્વારા માગણી કરવામાં આવી છે. શહેરની મહેતા માર્કેટમાં અનાજ, કરીયાણા, તેલ, ઘી, ગોળ, ખાંડ, દાળ-કઠોળના જથ્થાબંધ અને છુટક વેપાર કરતી અનેક દુકાનો અને ગોડાઉનો આવેલા છે. પરિણામે શહેરમાંથી ખરીદી કરવા આવતા અને ગામડેથી હટાણુ કરવા આવતા લોકોની ભારે ભીડ રહે છે .
જેમાં બહારગામથી માલ-સામાન ભરીને આવતા ટ્રક, ટેમ્પા માલ ઉતારવા માટે આડેધડ પાર્ક થતા હોવાથી અને કલાકો સુધી ઉભા રહેતા હોવાથી માર્કેટની સાંકડી ગલીઓમાં ટ્રાફીકની ગંભીર સમસ્યા સર્જાય છે. માર્કેટમાં ટ્રાફીક નિયમોની હદ પુરી થઈ જતી હોય તેમ ટ્રક, ટેમ્પાઓ ટ્રાફીકને નડતરરૂપ થાય તે રીતે ઉભા રહેતા હોવાથી વારંવાર ટ્રાફીક જામના દ્શ્યો સર્જાય છે. અને પેટ્રોલ -ડીઝલના ધુમાડાનું પારાવાર પ્રદુષણ થતા વેપારીઓ ત્રાહીમામ પોકારી જાય છે.
વેપારીઓના કહેવા મુજબ, અગાઉ મહેતા માર્કેટમાં ટ્રાફીક પોઈન્ટ હતો. પોલીસની સતત હાજરીથી ટ્રક, ટેમ્પા અને છકડાવાળા નિયંત્રણમાં રહેતા હોઈ ટ્રાફીક સમસ્યા હળવી રહેતી હતી. પરંતુ ઘણા સમયથી માર્કેટમાં આ ટ્રાફીક પોઈન્ટ જોવા મળતો નથી. જીલ્લા પોલીસવડા દ્વારા આ માર્કેટમાં ફરી ટ્રાફીક પોઈન્ટ મુકવામાં આવે અને ટ્રાફીક પોલીસને સવારે અને સાંજે હાજર રહેવા ફરજ સોપાય તો મહેતા માર્કેટની ટ્રાફીકની સમસ્યા હળવી થાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.