જિલ્લામાં વરસાદ ખેંચાતાં તેમજ મોટા ભાગની શાકભાજી અન્ય જિલ્લામાંથી આવતી હોવાથી અઠવાડિયામાં રૂ. 20 જેટલો ભાવવધારો થયો છે. ભાવવધારાથી ગૃહિણીઓની શાકભાજીની ખરીદી પર અસર થતાં હાલ તેઓની પાંખી હાજરી પણ જોવા મળતાં યાર્ડમાં ઘરાકી 40 ટકા જેટલી થઈ ગઈ છે.
જિલ્લામાં જે શાકભાજીનું વાવેતર થતું અને તેના વેચાણ માટે યાર્ડમાં આવતું હતું તે હાલ ઓછું થઈ ગયું છે. પરિણામે મોટા ભાગના વેપારીઓને હાલ સુરત, વડોદરા, અમદાવાદ, નવસારી, મહેસાણા સહિતના બહારના જિલ્લાઓમાંથી શાકભાજી લાવવાનો ઘાટ સર્જાયો છે. યાર્ડમાં 60થી 70 જેટલા વેપારી વેચાણ કરી રહ્યા છે. રોજ 10થી 15 પીકઅપ વૅનમાં એટલે કે 30થી 40 ટન જેટલી શાકભાજી લાવવામાં આવે છે જ્યારે 15થી વધુ રિટેલ વેપારીઓ પણ શાકભાજીનો વેપારી કરી રહ્યાં છે. પરિણામે સપ્તાહમાં શાકભાજીના ભાવમાં રૂ. 10થી 20 જેટલો વધારો નોંધાયો હતો. જેના કારણે મહિલાઓના બજેટ પર આ ભાવવધારાના કારણે અસર થઇ છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા તેમજ વરસાદ ખેંચાતા શાકભાજી લઇને વેચાણ માટે આવતા ખેડૂતોને પણ ખાનગી વાહનોને 20થી 30 રૂપિયા વધુ દેવાનો વારો આવ્યો છે. યાર્ડમાં હાલ 40 ટકા જેટલી જ ઘરાકી રહે છે.
આ અંગે વાલીબેન, કાંતાબેન, શારદાબેન વગેરે જણાવ્યું કે, દરેક પ્રકારની શાકભાજીમાં કિલોએ 10થી વધુ રૂપિયા દેવા પડી રહ્યા છે. દર મહિને થતી કમાણીને ધ્યાને લઇને દરરોજની જરૂરિયાત ચીજવસ્તુઓ ખરીદવી પડે છે. આ અંગે શાકભાજીના રિટેલ વેપારી ભાઈલાલભાઈ એમ. સાકરિયા, પ્રહલાદભાઈ ડી. મકવાણા, સોહમભાઈ રૂપસંગભાઈ પનાળિયા વગેરે જણાવ્યુ કે, લોકલ શાકભાજીની આવક ઓછી થતા અન્ય જિલ્લાઓમાંથી તેની ખરીદી કરવી પડે છે. શાકભાજીની ખરીદી ઓછી રહેવાના કારણે દરરોજ અંદાજે 25 મણ જેટલી શાકભાજી બગડી જવાથી ફેંકી પણ દેવી પડે છે.
અઠવાડિયાનો ભાવ તફાવત
શાકભાજી | અઠવાડિયા પહેલાંના ભાવ (પ્રતિકિલો) | હાલના ભાવ (પ્રતિકિલો |
રીંગણ | 20 | 30 |
ભીંડો | 30 | 40 |
ગવાર | 50 | 60 |
કારેલા | 30 | 50 |
કોબી | 20 | 40 |
મરચા | 20 | 40 |
ટમેટા | 25 | 40 |
ટીંડોરા | 50 | 70 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.