લક્ષ્મીરૂપી દીકરીનું ભવ્ય સ્વાગત:25 વર્ષ બાદ પાટડીના એક પરિવારમાં પુત્રીજન્મ થતાં ધામધૂમપૂર્વક સ્વાગત કરાયું, 200થી વધુ મહિલાઓએ કંકુ પગલા સાથે કર્યુ દીકરીનું સ્વાગત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
વ્હાલસોયી દીકરીનું અમદાવાદથી પાટડીમાં આગમન થતાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કાર્યક્રમ
  • વ્હાલસોયી દીકરીનું અમદાવાદથી પાટડીમાં આગમન થતાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કાર્યક્રમ રખાયો
  • પાટડીના હળમતીયા હનુમાનથી શણગારેલી ગાડીમાં 200થી વધુ મહિલાઓ દ્વારા કંકુ પગલા સાથે દીકરીનું સ્વાગત કરાયું
  • ગરીબ બાળકોને પરીવાર દ્વારા અન્નભોજન પણ કરાવવામાં આવ્યું

પાટડીના દેસાઇ પરીવારમાં દીકરાના ઘરે સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરીનો જન્મ થતાં ધન તેરસના પવિત્ર દિવસે પાટડીમાં લક્ષ્મીરૂપી દીકરીનું ઢોલનગારા અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. પાટડી હળમતીયા હનુમાનથી શણગારેલી ગાડીમાં 200 મહિલાઓ દ્વારા કંકુ પગલા સાથે સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરીનું સ્વાગત કરાતાં સૌની આંખોના ખુણા ભીના થયા હતા.

દિવાળી પહેલા ધનતેરસના શુભ દિવસે પાટડી ખાતે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા વિજયભાઈ દેસાઈ તથા મીનાબેન દેસાઈના પુત્ર પુરવ અને પુત્રવધુ નેહલના ઘરે સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરી કાયરાનો જન્મ થતાં વ્હાલસોયી પૌત્રીનું અમદાવાદથી પાટડીમાં આગમન થતાં ભવ્યાતિ ભવ્ય સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટડી નગરપાલિકાના પ્રમુખ મોલૈશભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ, ગુજકોમાસોલના ડિરેક્ટર જેશીંગભાઈ ચાવડા, પાટડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, આંગણવાડીના સીડીપીઓ તથા આંગણવાડીની બહેનોની સાથે 200થી વધુ મહિલાઓ દ્વારા આ વ્હાલસોયી દીકરીનું ભવ્ય સ્વાગત કરીને આશીર્વાદ અપાયા હતા અને અંતમાં ગરીબ બાળકોને પરીવાર દ્વારા અન્નભોજન પણ કરાવવામાં આવ્યું હતુ.

આ અંગે પાટડીના વિજયભાઇ દેસાઇ અને મીનાબેન દેસાઇએ આંખોમાં હર્ષના આંસુ સાથે જણાવ્યું હતું કે, અમારા ઘરમાં 25 વર્ષ બાદ સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરીનું અવતરણ થતાં ધનતેરસના દિવસે પાટડીથી 3 કિ.મી. દૂર આવેલા પ્રસિદ્ધ હળમતિયા હનુમાન મંદિરથી શણગારેલી ગાડીમાં ઢોલ નગારા, અબીલ-ગુલાલની છોળો અને પંડીત સિધ્ધાર્થ શુક્લ દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે સામૈયું કરી કંકુ પગલા અને આશિર્વચન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પાટડીની 200થી વધુ મહિલાઓએ પણ ઉત્સાહભેર સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરીને મીઠો આવકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...