મોરબીમાં 108 ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ:મૂર્તિ બનાવવામાં લાગ્યાં 3 વર્ષ, PM મોદીએ કહ્યું, 'હનુમાનજીએ સેવાભાવ અને સમર્પણ શિખવાડ્યા'

મોરબીએક મહિનો પહેલા
  • હનુમાન જયંતિના દિવસે પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી અનાવરણ કરવામાં આવ્યું
  • પ્રતિમામાં સાત લાખ રામનામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરાયો
  • ભાષા-બોલી ગમે તે હોય, પણ રામકથાની ભાવના સૌને એક કરે છે - પીએમ

મોરબીના ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર આવેલા ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ પામેલી 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું આજે હનુમાનજયંતીના પાવન દિવસે PM મોદીના હસ્તે વર્ચ્યુઅલી અનાવરણ કરવામાં આવ્યું હતું. દેશના ચારેય ખૂણે હનુમાનજીની પ્રતિમા બનાવવાનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે મોરબીમાં આજે હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું વર્ચ્યુઅલી અનાવરણ PM મોદીએ કર્યું છે. એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો-મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું પીએમના હસ્તે વર્ચ્યુઅલ અનાવરણ
108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું પીએમના હસ્તે વર્ચ્યુઅલ અનાવરણ

કોરોનાકાળ વચ્ચે સદાયથી ખોખરા હનુમાનજી ધામની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ હાલ રામકથા અને ગુજરાતમાં પ્રથમ વખત અહીં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરાયું છે, જેમાં સાત લાખ રામનામ લખવામાં આવ્યાં છે. આવનારા સમયમાં અહીં વાનપ્રસ્થાનગૃહ અને અતિથિગૃહ પણ બનાવવામાં આવશે.

ખોખરા હનુમાનજી ધામ ખાતે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
ખોખરા હનુમાનજી ધામ ખાતે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

હનુમાનજી એ એક ભારત, શ્રેષ્ઠ ભારતના પણ મહત્વના સૂત્ર : પીએમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના પાવન અવસર પર તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ શુભ અવસર પર આજે મોરબીમાં હનુમાનજીની આ ભવ્ય મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયાભરના હનુમાન ભક્તો માટે આ ખૂબ જ ફાયદાકારક છે. હનુમાનજી દરેકને તેમની ભક્તિ, તેમની સેવા સાથે જોડે છે. દરેક વ્યક્તિને હનુમાનજી પાસેથી પ્રેરણા મળે છે. હનુમાનજી એ એવી શક્તિ અને શક્તિ છે જેમણે વનમાં રહેતી તમામ પ્રજાતિઓ અને વનબંધુઓને આદર અને આદર આપવાનો અધિકાર આપ્યો. એટલા માટે હનુમાનજી એ એક ભારત, શ્રેષ્ઠ ભારતના પણ મહત્વના સૂત્ર છે.

રામકથાની ભાવના સૌને એક કરે છે : પીએમ
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાં રામ કથાનું પણ આયોજન કરવામાં આવે છે. ભાષા-બોલી ગમે તે હોય, પણ રામકથાની ભાવના સૌને એક કરે છે, ભગવાનની ભક્તિ સાથે જોડે છે. આ ભારતીય આસ્થા, આપણી આધ્યાત્મિકતા, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાની તાકાત છે.

અનાવરણમાં મુખ્યમંત્રી સહિત અનેક લોકો હાજર રહ્યા
મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવ સમી સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા સતત ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે પ્રતિમામાં સાત લાખ રામનામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખોખરા ધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાસને ચાલતી રામકથા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો-મહંતો, ગૌશાળા-સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશમાં હનુમાનજીના ચાર ધામ પ્રોજેક્ટ
આ પ્રતિમા મોરબીમાં બાપુ કેશવાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. આખા દેશમાં ભગવાન હનુમાનના ચાર ધામ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ હનુમાનજીની પ્રથમ પ્રતિમા શિમલામાં 2010માં સ્થાપિત કરાઇ હતી, જ્યારે દક્ષિણમાં રામેશ્વરમમાં આવી જ એક પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મોરબીમાં બાપુ કેશવાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવેલી આ પ્રતિમાનું સતત ત્રણ વર્ષથી નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.

ખોખરા હરિહર ધામમાં હનુમાનજીનું ભવ્ય મંદિર
મોરબીથી 15 કિમી દૂર ભરતનગર અને બેલા ગામ વચ્ચે ખોખરા હરિહર ધામમાં અંદાજે સૈકાઓ જૂનું હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ ખોખરા હરિહર ધામ હનુમાનજી મંદિર પ્રત્યે લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા ધરાવે છે. શરૂઆતમાં જાણીતા સંત કેશવાનંદ બાપુ તેમની હયાતી વખતે અહીં વારંવાર આવતા અને હનુમાનજીની પૂજા-અર્ચના કરતા હતા. તેઓ અવસ્થતા કે થાક લાગે ત્યારે અહીં આવીને આધ્યામિક અને માનસિકને શાંતિ અનુભવતા હોવાથી હનુમાનજીને ડોક્ટરની ઉપાધિ આપી હતી. ત્યાર બાદ સીતારામબાપુ આ ખોખરા ધામમાં રહીને પૂજા-અર્ચના કરતા હતા.

હવે ખોખરા ધામમાં કેશવાનંદ બાપુના શિષ્ય અને જાણીતા કથાકાર કનકેશ્વરી દેવી આશરે 8 વર્ષથી હનુમાનજીની સેવા-પૂજા કરે છે અને તેમના સાંનિધ્યમાં ખોખરા ધામમાં માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક જ નહીં, પણ વિવિધ સેવાપ્રવૃત્તિ પણ થાય છે. ખોખરા ધામમાં સંસ્કૃત વેદ વિદ્યાલય ચાલે છે, જેમાં હાલ 100 બાળક સંસ્કૃત વિષયનું જ્ઞાન મેળવે છે. આ ઉપરાંત આરોગ્ય કેમ્પ અને અન્નક્ષેત્રે તેમજ સર્વજ્ઞાતિય સમૂહલગ્ન પણ વારંવાર યોજાયાં છે.

અન્ય સમાચારો પણ છે...