સુરેન્દ્રનગર જિલ્લામા આજે વહેલી સવારે અચાનક વાતાવરણમા પલ્ટો આવ્યો હતો. ત્યારે કેટલાંક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પણ વરસવા પામ્યો છે એટલે કે, માવઠું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમા હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમા ત્રણ દિવસ વાતાવરણમા ફેરફાર આવશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરતા આજે વહેલી સવારથી તેની અસર વર્તાઈ છે. અને અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકના આજુબાજુના વિસ્તાર તેમજ વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ અન્ય કેટલીક ગ્રામીણ વિસ્તારોમા વરસાદી ઝાપટા પડ્યા છે. જેને લઇને હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન પણ ગગડ્યું છે. સામાન્ય તાપમાનથી પાંચ ડિગ્રી તાપમાન નીચું ગયું છે. ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં માવઠાનો વરસાદ સુરેન્દ્રનગરમાં ખાબકતા હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે.
હાલમાં ખેડૂતો દ્વારા જીરું તૈયાર થઈ ગયું હોય તો ખેતરમાં સલો કરી અને જીરું બહાર કાઢવામાં આવી રહ્યું છે. બીજી તરફ વરિયાળી અને ધાણા જેવા પાકો પણ તૈયાર થઈ ચૂક્યા છે. તે પણ હાલમાં ખેતરમાં પડ્યા છે. ત્યારે વરસાદ અચાનક ખાબકતા અને માવઠું વરસતા આ પાકોને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેને લઈને ખેડૂતોનું ઉત્પાદન પણ બગડ્યું હોય તેવુ સામે આવ્યું છે.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમા ખુલ્લામાં પડેલા ઉત્પાદનને પણ નુકસાન થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે સતત ચોથા વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓએ ઉનાળાના પ્રારંભિક સમયમાં માવઠાના માર સહન કરવો પડ્યો છે. ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેત પેદાશો તેમજ અન્ય જે ઉત્પાદિત વસ્તુઓ છે, તે સલામત સ્થળે રાખવા માટે પણ ખેડૂતોને અપીલ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.