આદેશ:પાત્રતા ન ધરાવતા NFSA કાર્ડધારકો સ્વૈચ્છાએ નામ કમી કરાવે: મામલતદાર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા એવા લોકો જેઓ સુખી સંપન્ન હોવા છતા એનએફએસએ રાશન કાર્ડનો ઉપયોગ કરતા હોવાનું જણાયું હતું. આથી મામલતદારે આવા કાર્ડધારકોને સ્વેચ્છાએ નામ કમી કરાવવા તાકીદ કરી છે.જો તેમ નહીં કરાવે તો તપાસમાં આર્થિક સુખાકારી હોવાના પુરાવા મળશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

આ અંગે શહેર મામલતદારે જણાવ્યુ કે રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફક્ત ગરીબો માટેની યોજના છે અને નીચે જણાવેલ પૈકી કોઇ પણ એક અથવા વધારે બાબત ધરાવનાર NFSA યોજનાનો લાભ મળવાપાત્ર નથી. જે કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ચાર પૈડાવાળું વાહન ધરાવતું હોય, કુટુંબનો કોઇ પણ સભ્ય સરકારી કર્મચારી હોય કે માસિક રૂ.10,000થી વધુ આવક ધરાવતો હોય કે આવકવેરો ઇન્કમટેક્સ, વ્યવસાય વેરો ચૂકવતો હોય, કે જે કુટુંબ નિયત કરતાં વધુ ખેતીની જમીન ધરાવતો હોય, જે કુટુંબમાં કોઇપણ સભ્ય સરકારી પેન્શનર હોય, કુટુંબ આર્થિક સુખાકારી ધરાવતું હોય કે શહેરી વિસ્તારમાં ધાબાવાળું પાક્કુ મકાન ધરાવતું હોય તો આવા કુંટુબ એનએફએસએ યોજનાનો લાભ મળવાપાત્ર ઠરતા નથી.

આવા કાર્ડધારકોએ તા.30-6-2022 સુધીમાં સ્વેચ્છાએ NFSA યોજના અંતર્ગત પોતાનુ રેશનકાર્ડ આ યોજનામાંથી કમી કરવા માટે મામલતદાર કચેરી સુરેન્દ્રનગર શહેર, પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ જોડી રૂબરૂ અરજી રજૂ કરવાની રહેશે. તા.1-7-2022 પછી આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલૂમ પડશે તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની તેમજ જરૂર જણાયે ફોજદારી કાર્યવાહી કરી ગુનો દાખલ કરાશે.

મૂળી તાલુકામાં લાભ જતો કરવા અનુરોધ
રેશનકાર્ડમાં એનએફએસએ યોજના થકી ગરીબોને વિતરણ કરવામાં આવતા મફત અનાજનો જથ્થો સુખી સંપન્ન લોકો લેતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી મૂળી પુરવઠા વિભાગ દ્વારા 30 જૂન સુધીમાં જાતે રેશનકાર્ડ જમા કરવા અનુરોધ કરાયો છે અને બાદમાં પોલીસ ફરિયાદ કરવા સહિતનો ઉલ્લેખ કરાતા કાર્ડધારકોમાં ચકચાર ફેલાઇ છે.

એનએફએસએ યોજના થકી મફતમાં અનાજ વિતરણ કરાય છે. ત્યારે આ અનાજ જરૂરિયાતમંદો લે તે યોગ્ય છે. પરંતુ આ અનાજ સુખી સંપન્ન લોકો લઇ તેનાં કાળા બજાર કરી વેચવા સહિત અનેક બાબતો મૂળી મામલતદાર કચેરીનાં પુરવઠા વિભાગનાં ધ્યાને આવતા તેમના પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં આગામી 30 જૂન સુધીમાં બિનજરૂરિયાત મંદોએ જાતે ઓફિસે આવી કાર્ડ જમા કરાવવા અપીલ કરાઇ છે. અને તેમ છતાં જો કોઇ તપાસમાં સમૃધ્ધ જણાશે તો ફોજદારી ગુનો દાખલ કરાશે.

આ અંગે મૂળી પુરવઠા મામલતદાર ગીરીરાજસિંહ જાડેજાએ જણાવ્યુ કે હાલ અનેક લોકો યોજનાનો ગેરલાભ લઇ રહ્યા છે અને જરૂરિયાત મદ યોજનાથી વંચિત ન રહે તે માટે આર્થિક સુખી લોકોને જાતે નામ રદ કરાવવા અપીલ કરાઇ છે અને જો તેમ છતા ધ્યાને આવશે તો ફોજદારી કાર્યવાહી કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...