પ્રકૃતિ પ્રેમ:પાટડી કન્યાશાળામાં દિકરીના જન્મ દિવસે છોડ ઉછેરવાની અનોખી પહેલ, બાળાઓ પર આર્થિક ભારણ ઘટશે

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી કન્યાશાળામાં દિકરીના જન્મ દિવસે છોડ ઉછેરવાની અનોખી પહેલ, બાળાઓ પર આર્થિક ભારણ ઘટશે - Divya Bhaskar
પાટડી કન્યાશાળામાં દિકરીના જન્મ દિવસે છોડ ઉછેરવાની અનોખી પહેલ, બાળાઓ પર આર્થિક ભારણ ઘટશે
  • આ પહેલથી બાળાઓ પર આર્થિક ભારણ ઘટશે અને પ્રકૃતિ પ્રત્યે સભાનતા વધશે

પાટડી ખાતે આવેલી કન્યાશાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં શાળાના શિક્ષક કે બાળાનો જન્મદિવસ હોય તે દિવસે શાળાના પ્રાંગણમાં જ છોડ વાવીને એનો ઉછેર કરવાનો. આ પહેલથી બાળાઓ પર આર્થિક ભારણ ઘટશે અને પ્રકૃતિ પ્રત્યે સભાનતા વધશે.

પાટડી ખારાઘોઢા રોડ પર આવેલી કન્યાશાળામાં ધોરણ છથી આઠ ધોરણમાં કુલ 179 બાળાઓ અભ્યાસ કરે છે. હાલમાં કોરોનાના કારણે તમામ પ્રાથમિક શાળાઓ બંધ છે. પણ આ શાળામાં અભ્યાસ કરતી ગરીબ અને પછાત પરિવારની બાળાઓ શાળાના કોઇ શિક્ષક કે પોતાનો જન્મ દિવસ હોય તે દિવસે આઠથી 10 વિદ્યાર્થીનીઓ ભેગા મળીને રૂ.150થી 200ની કેક લાવીને સ્કુલમાં આખો ક્લાસ શણગારવામાં અડધો દિવસ બગાડીને પેછી જે તે શિક્ષકને કેક ખવડાવ્યા બાદ આઠથી 10 વિદ્યાર્થીનીઓનું ગૃપ બાકીની કેક ખાતા આથી આખા રૂમની બાળાઓ મોઢું ફાડીને કેક ખાતી દિકરીઓને જોઇ રહેતી. આથી શાળાના આચાર્ય ત્રિકમભાઇ પરમાર અને શિક્ષક રોહિત ઝોલાપરાએ શાળામાં જન્મ દિવસ ઊજવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી હતી. જેમાં શાળામાં જે શિક્ષક કે વિદ્યાર્થીનીનો જન્મ દિવસ હોય તે બાળા કે શિક્ષક ઘેરથી છોડ લાવી શાળાના પ્રાંગણમાં જ તે છોડ વાવી એને ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. પાટડી નાનુબાપા કન્યાશાળાની આ અનોખી પહેલ અંતર્ગત સૌ પ્રથમ શાળાના આચાર્ય ત્રિકમભાઇ પરમારનો જન્મદિવસ શાળામાં બદામના છોડનું વાવેતર કરી ઉજવણી કરવામાં આવી હતી અને બે દિવસ અગાઉ 13 જુલાઇના રોજ શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી જયશ્રી રમેશભાઇ ઠાકોરનો જન્મદિવસ પણ શાળાના આચાર્ય અને શિક્ષકોએ મળીને શાળાના પ્રાંગણમાં બદામના છોડનું જ વાવેતર કરી રંગેચંગે મનાવવામાં આવ્યો હતો. આ અનોખી પહેલથી શાળાની ગરીબ અને પછાત બાળાઓમાં આર્થિક ભારણ ઘટવાની સાથે એમનામાં પ્રકૃતિ પ્રત્યેની સભાનતામાં વધારો થાય છે.

જન્મદિવસે બાળાઓ સ્કુલમાં આવવાનું ટાળતી આ અંગે શાળાના શિક્ષક રોહિતભાઇ ઝોલાપરાએ જણાવ્યું કે, શાળામાં શિક્ષક કે વિદ્યાર્થીનીના જન્મદિવસે કેકની પ્રથા બંધ કરાવ્યા બાદ વિદ્યાર્થીનીઓ વર્ગમાં 100થી 150રૂ.ની ચોકલેટ લાવી ક્લાસની દરેક બાળાઓને વહેંચણી કરી ઊજવણી કરાતી. એનાથી જે ગરીબ બાળાના માતા-પિતા દાડીએ જઇ માંડ બે ટંકનું પેટીયું રળતા હોય તે ગરીબ બાળા ચોકલેટ લાવવાનો આર્થિક બોજ સહન ન કરી શકતા તે બાળા એના જન્મદિવસે જ સ્કુલમાં આવવાનું ટાળતી. એટલે કે શાળાના શિક્ષક કે બાળાના જન્મદિવસે કેક બાદ ચોકલેટ લાવવાની પ્રથા પણ બંધ કરાવવામાં આવી

એક ગરીબ બાળા નવા કપડા ન હોવાથી જન્મદિવસે ક્લાસમાં ઊભી પણ ના થઇ શકી આ અંગે શાળાના આચાર્ય ત્રિકમભાઇ પરમાર એક પ્રસંગ જણાવતા કહે છે કે, અમારી શાળાની શિક્ષીકા મહેરૂનીશા બેનના ક્લાસની એક બાળાનો જન્મદિવસ હોવા છતાં એ ક્લાસમાં ઊભી થઇ નહોતી. અડધો પિરીયડ પુરો થયા બાદ આ વિદ્યાર્થીનીની બહેનપણીએ શિક્ષીકાને કાનમાં જઇને કહ્યું કે આજે મારી બહેનપણીનો જન્મ દિવસ છે છતાં એ ક્લાસમાં ઊભી ના થઇ. તો શિક્ષીકાબેને પુછ્યુ કે કેમ? તો એ બાળાએ જણાવ્યું કે એની પાસે નવા કપડા ન હોવાથી તે પોતાનો જન્મદિવસ હોવા છતાં ક્લાસમાં ઊભી થઇ શકી નહોંતી. એટલે શાળાના તમામ સ્ટાફ દ્વારા શિક્ષક કે બાળાનો જન્મદિવસ હોય તો કેક કે ચોકલેટ સાથે જન્મદિવસ ઉજવવાના બદલે શાળાના મેદાનમાં જ એક છોડનું વાવેતર કરી એને ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવે. આ પહેલથી ગરીબ અને પછાત બાળાઓ પર આર્થિક ભારણ ઘટવાની સાથે એમનામાં પ્રકૃતિ પ્રત્યેની સભાનત‌ા કેળવાશે.

અન્ય સમાચારો પણ છે...