હર ઘર તિરંગા:સુરેન્દ્રનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 5 લાખથી વધુ ઘરોમાં તિરંગા લહેરાવાશે

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાનો ઝંડો ફક્ત રૂ.18માં અને મોટો ઝંડો ફક્ત રૂ.25માં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે

દેશને આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થનારા છે, જેની ભવ્ય ઉજવણીનાં ભાગરૂપે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશભરમાં તા. 13 ઓગષ્ટથી 15 ઓગષ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ અભિયાનનાં સફળ અને સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદનનાં સભાખંડમાં બેઠક યોજાઇ હતી.

અધિકારીઓને સૂચના આપી
આ બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે, 'હર ઘર તિરંગા' અભિયાન રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરવાનો, નવી પેઢીમાં દેશપ્રેમનાં ગુણો દ્રઢ કરવાનો તેમજ દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવાનો અવસર છે. આ મહાન રાષ્ટ્રની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જિલ્લામાં ઉજવણી થાય અને જિલ્લાવાસીઓ સહભાગી થાય તે દિશામાં કામગીરી કરવા તેમણે અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લામાં 5 લાખથી વધુ ઝંડા ફરકાવવામાં આવશે
'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દરેક ઘર, સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સ્કુલ-કોલેજો, પોલીસ સ્ટેશનો, દૂધ મંડળીઓ, એ.પી.એમ.સી., સહકારી મંડળીઓ, સસ્તા ભાવની અનાજની દુકાનો, પેટ્રોલપંપ, હોટલો, મહોલ્લાઓ, દુકાનો સહિતનાં સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશ પ્રેમ વ્યક્ત કરવામાં આવશે. 'હર ઘર તિરંગા' કાર્યક્રમની ઊજવણીમાં દરેક વ્યક્તિ સહભાગી થાય તે માટે નાનો ઝંડો ફક્ત રૂ.18માં અને મોટો ઝંડો ફક્ત રૂ.25માં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. ઉજવણી અંતર્ગત જિલ્લામાં 5 લાખથી વધુ ઝંડા ફરકાવવામાં આવશે.

આ સ્થળેથી ઝંડા મળી શકશે
ઝંડાના વેચાણ માટે ગુજરાત રાજ્યની ખાદી કામગીરી સાથે સંકળાયેલી સંસ્થાઓ મહેતા ખાદી ઉદ્યોગ ગૃહ, વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લા સર્વોદય વિકાસ મંડળ- જોરાવરનગર, સઘનક્ષેત્ર યોજના પાટડી વગેરે દ્વારા ઝંડા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેન્દ્રો પર વેચાણ માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી વધુને વધુ ઝંડાનુ વેચાણ થાય તે માટે તંત્ર તરફથી પૂરતો સાથ સહકાર આપવા સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.

નાગરિકોને જાગરૂક કરવા સૂચના અપાઇ
ફ્લેગ કોડનું પાલન થાય તે રીતે ઝંડા ફરકાવવામાં આવે તે રીતે નાગરિકોને જાગરૂક કરવા સંબંધી સૂચનાઓ જિલ્લા તંત્રે આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શના ભગલાણી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, તમામ પ્રાંત અધિકારી સહિત સંબંધિત વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...