વીજળી કાળ બની ત્રાટકી:સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે વરસાદના આગમન સાથે જ બે અલગ-અલગ જગ્યાએ વીજળી પડી, બે યુવકોના મોત

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
વરસાદના આગમન સાથે જ બે અલગ-અલગ જગ્યાએ વીજળી પડી, બે યુવકોના મોત
  • જાંબુ નજીક રોડ ઉપર વીજળી પડતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
  • નાની કઠેચી ગામમાં વીજળી પડતા દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
  • જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે આવેલા વરસાદના પગલે હાઈવે પર 200થી વધુ વૃક્ષો તૂટી પડ્યા

કાળઝાળ ગરમી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આમ તો દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં 15 જૂનથી વરસાદનું આગમન થઇ જતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે આઠ દિવસ પહેલા ચોમાસું સુરેન્દ્રનગર જિલ્લામાં બેસી ગયુ છે. ત્યારે ગઇકાલે મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, સાયલા, ચોટીલા અને લીંબડી સહિતના પંથકમાં ગાજવીજ સાથે વરસાદનુ આગમન થયું છે. જોકે, મોસમનો પ્રથમ વરસાદ જ કાળમુખો બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. પ્રથમ વરસાદે જ અલગ-અલગ જગ્યાએ વીજળી પડતા બે યુવકોના મોત થયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ કાળમુખો સાબિત થયો છે. પ્રથમ વરસાદે જ બે યુવકોનો ભોગ લીધા છે. વીજળી પડતા બે યુવકોના મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

યુવકનું મોત થતા પરિવારમાં શોક
સુરેન્દ્રનગરના જાંબુ નટવરગઢ નજીક મોડી સાંજે બાઈક લઇને પસાર થઇ રહેલા યુવક ઉપર અચાનક વીજળી ખાબકી હતી. જેને લઇને ઘટનાસ્થળે યુવક દાઝી જતા એનું મોત થયું હતું. ત્યારે મળતી વિગત અનુસાર 23 વર્ષના જુસબભાઈ નામનો યુવક લીંબડીથી કોઈ કારણોસર જાંબુ તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી ખાબકતા ઘટનાસ્થળે દાજી ગયો હતો જેથી તેનું મોત થયું છે. જેને લઈને તેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે.

બીજી તરફ જિલ્લાના લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે નળસરોવર વિસ્તારમાં પણ વીજળી પડતા એક યુવકનું મોત થયું છે. આ બનાવનો વીડિયો પણ સામે આવ્યો છે. નાની કઠેચી ગામમાં 26 વર્ષીય મેલાભાઈ પોપટભાઈ ખુલ્લી જગ્યામાં બેઠા હતા. તે સમયે વીજળી ખાબકતા મેલાભાઈ દાઝી ગયા હતા. જેથી તેઓને પ્રાથમિક સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર
સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે 15 જૂને ચોમાસાનું આગમન થાય છે. પરંતુ ચાલુ વર્ષે આઠ દિવસ વહેલું ચોમાસું સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ્યું છે. જિલ્લામાં લીંબડી, ચુડા, સાયલા અને ચોટીલા પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જેને લઈને હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતોમાં ખુશીની લહેર દોડી છે. વહેલા વરસાદના એંધાણ વચ્ચે ખેડૂતોએ વાવેતર પણ શરૂ કરી દીધું છે. ખાસ કરી કપાસનું વાવેતર હવે ખેડૂતો શરૂ કરવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કેનાલમાં પાણી ન હોવાના કારણે ખેડૂતો કપાસનું વાવેતર કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. પરંતુ હવે વહેલા ચોમાસાની આશા સાથે ખુશીની લહેરથી કપાસનું વાવેતર ખેડૂતો કરવા લાગ્યા છે.

હાઈવે પર 200થી વધુ વૃક્ષો તેમજ ઈલેક્ટ્રીક થાંભલાઓ તૂટી પડ્યા

જિલ્લામાં ગત સાંજથી ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે. ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા અને વાવાઝોડા જેવી અસર સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાતા હાઇવે ઉપરના 200 જેટલા વૃક્ષો તૂટી પડયા છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે કોઇપણ પ્રકારની મોટી જાનહાનિ થઈ નથી. માત્ર હાઇવે ઉપરના કેટલાંક ઇલેક્ટ્રીક થાંભલાઓ છે તે તૂટી પડ્યા છે. આ મામલે પણ પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ અને આ થાંભલાઓ રીપેરીંગ કરી રાત્રી દરમ્યાન જ વીજપુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. 200થી વધુ વૃક્ષો અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર તૂટી પડ્યા છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હોવાના કારણે આ વૃક્ષો પડયા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે.

જિલ્લામાં 15 જૂન પહેલા ભારે વરસાદની આગાહી
જિલ્લામાં ગઈકાલે ઝરમર વરસાદનો પ્રારંભ થયો છે. જોકે, બીજી તરફ જિલ્લામાં હજુ પણ બફારો યથાવત છે. આગામી 15 જૂન પહેલા ભારે વરસાદ પડવાની આગાહી હવામાન તંત્રએ પણ વ્યક્ત કરી છે. ત્યારે વિધિવત રીતે ચોમાસુ સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે 15 જૂનથી પ્રવેશ કરતું હોય છે. એવા સંજોગોમાં 15 જૂન સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં બફારો યથાવત છે. વરસાદ પડવાની આગાહી હવામાન તંત્ર વ્યક્ત કરી છે. ત્યારે સારો વરસાદ રહેવાની આશા સાથે ખેડૂતોએ વાવેતરની શરૂઆત પણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, હવે વાવેતર બાદ ખેડૂતો સારા વરસાદની આશા વ્યક્ત કરી રહ્યા છે.

વીજળીના 1 ઝબકારામાં 1,25,000,000 વોલ્ટ વીજળી હોય
વાવાઝોડું અને વીજળી મોટાભાગે સાથે થતી હોય છે. વીજળીના એક ઝબકારામાં 1,25,000,000 વોલ્ટ જેટલી વીજળી હોય છે. જે 100 વોટના વીજળીના બલ્બને 3 મહિનાથી વધુ ચલાવવા માટે અથવા કોઇને ગંભીર ઇજાગ્રસ્ત કે મોત નીપજાવવા પૂરતું હોય છે.

વીજળી પડવાની પહેલાં શું થાય
જ્યારે વીજળી પડવાની હોય ત્યારે વ્યક્તિના માથાના વાળ ઊભા થઇ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે સમજવું કે વીજળી તમારી આસપાસ ત્રાટકવા પર છે. નીચા નમી કાન ઢાંકી દેવા જમીન પર સૂવું નહીં કે હાથ ટેકવવા નહીં, વીજળીનો આંચકો લાગેલાને જરૂર જણાય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો, પ્રાથમિક સારવાર માટે લઇ જવો.

અન્ય સમાચારો પણ છે...