સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હરીપર રોડ ઉપર આજે શનિવારે વહેલી સવારે ગમખ્વાર દુર્ઘટના સર્જાવા પામી છે. જેમાં કેમિકલ ભરેલું ટેન્કર અને લોડર ગાડી એકબીજા સાથે અથડાતાં તેમાં ભીષણ આગી લાગી ઉઠી હતી. આ આગમાં ટેન્કરનો ડ્રાઇવર જીવતો ભૂંજાયો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
ટેન્કર અને લોડર એકબીજા સાથે ટકરાતાં તેની પાછળ આવતાં અન્ય ત્રણ લોડર ગાડી તેમાં ઘુસી જતાં, એ ત્રણ પણ સળગી ઉઠ્યાં હતાં. ત્યારે હાલમાં ધ્રાંગધ્રા-હરીપર રોડ બંધ કરવાની પોલીસ તંત્રને ફરજ પડી છે. ઉપરાંત આગ સંપૂર્ણ ઓલવાયા બાદ અન્ય વાહનોમાં કોઇ છે કે કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તે માલુમ પડશે. ઘટનાને પગલે ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને હળવદના ફાયર ફાઇટરો અને પોલિસ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.
ટેન્કરનો ડ્રાઇવર આગમાં જીવતો ભૂંજાયો
હાલમાં ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ અને હળવદ સહિતના આજુબાજુના ગામોમાંથી તાત્કાલિક અસરે ફાયર બ્રિગેડને જાણકારી આપી તેમને બોલાવવામાં આવ્યા છે. ત્યારે પોલીસ તંત્રનો કાફલો પણ ધ્રાંગધ્રા હરીપર રોડ ઉપર પહોંચી કામગીરી હાથ ધરી રહ્યો છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર હાઈવે ઉપર અચાનક જ ટેન્કર અને લોડર ગાડી સામસામે ટકરાતાં પાછળ આવતી ત્રણ લોડર ગાડી પણ એમાં ઘુસી ગઇ હતી. એટલે ટોટલ પાંચ વાહનો સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ ઉપર ટેન્કર અને લોડર ટકરાતાંની સાથે જ વિકરાળ આગ લાગી હતી. જેમાં ટેન્કરનો ડ્રાઇવર ભોળારામ સતારામ ટેન્કરમાં જીવતો ભૂંજાઇ જવા પામ્યો છે.
બંને ટેન્કરો ઘટનાસ્થળ પર જ બળીને ખાખ
હાલમાં ટેન્કર અને લોડર ઘટનાસ્થળ પર જ બળીને ખાખ બની ગયા છે. ત્યારે પોલીસ તંત્ર આ ડ્રાઈવરના પરિવારજનોને જાણકારી આપવામાં આવી છે. ત્યારે પોલીસ તંત્રે જણાવ્યું કે, ગાંધીધામથી કેમિકલ ભરી અને અમદાવાદ તરફ આ ટેન્કર જતું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાઇવે ઉપર એક જ માલિકના અને એક જ કંપનીના ત્રણ ટેન્કરો એક સાથે પસાર થઇ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી
હાલમાં હાઈવે ઉપર આ અકસ્માતમાં આગ લાગવાની ઘટના બનતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી જવા પામી છે. પોલિસ આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. હાલમાં ધ્રાંગધ્રા-હરીપર રોડ ઉપર માલવણ હાઇવે તરફના વાહનોની લાંબી લાઇનો લાગી છે અને એક બાજુનો રોડ પૂર્વવત કરવા પોલીસ કામે લાગી છે.
પાંચ વાહનો ભયાવહ આગમાં સ્વાહા
આ અકસ્માતની ઘટનામાં બંને ટેન્કરો સહિત કુલ પાંચ વાહનો ભયાવહ આગમાં સ્વાહા થઇ ગયા હતા. આ અકસ્માતમાં ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. માલવણ હાઇવે પર આ ગોઝારા અકસ્માત બાદ રોડની બંને સાઇડ પાંચ કિ.મી. લાંબી વાહનોની કતારો લાગેલી જોવા મળી હતી. આ અકસ્માતમાં એકનું મોત નિપજ્યાની આશંકા સાથે આગ સંપૂર્ણ ઓલવાયા બાદ અન્ય વાહનોમાં કોઇ છે કે કેટલા મૃત્યુ પામ્યા છે તે માલુમ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.