તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરની કરૂણ ઘટના:તળાવમાં ડૂબી જતા બે સગાભાઈના મોત, કરુણાંતિકા પહેલાનો પિતા સાથે રમતા બાળકોનો અંતિમ વીડિયો વાઈરલ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
પાટડીના સવલાસના તળાવમાં ડૂબી જવાથી બે સગાં ભાઈના મોતથી ચકચાર મચી
  • ફોન કરતા બાળકો ઘરે ન પહોંચ્યા હોવાનું જણાતા પિતા શોધવા નીકળ્યા હતા
  • બંને ભાઇઓના હાથ પકડેલી હાલતમાં લાશ તળાવમાંથી મળી આવી

પાટડી તાલુકાના સવલાસ ગામે તળાવમાં ડુબી જવાથી બે દિકરાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. તળાવમાંથી બંનેને બહાર કાઢી સારવાર માટે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં સારવાર મળે એ પહેલા જ બંને ભાઇઓના પ્રાણપખેરૂ ઉડી ગયા હતા. આ ગોઝારી ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.

બંને દિકરાઓ ઘેર ન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું
પાટડી તાલુકાના સવલાસ ગામે રહેતા આલ (રબારી) કરમશીભાઈ લેબાભાઇ પોતાના માલઢોરને લઇને ચરાવવા જઇ રહ્યાં હતા. ત્યારે એમનો 7 વર્ષનો ચોથા ધોરણમાં ભણતો દિકરો રોહિત અને 5 વર્ષનો બીજા ધોરણમાં ભણતો નાનો દિકરો નિર્મલ પણ જીદ કરીને એમના પિતા કરમશીભાઇ આલ (રબારી) સાથે જવાની જીદ કરતા તેઓ એમને માલઢોર ચરાવવા સાથે લઇ ગયા હતા. અને થોડીવાર પછી બંને દિકરાઓને ઘેર પરત જવાનું કહ્યું હતુ. અને પછી મોડેથી ઘેર ફોન કરી બંને દિકરાઓ ઘેર પહોચ્યાં કે નહીં એની પૃચ્છા કરી હતી. પણ બંને દિકરાઓ ઘેર ન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતુ.

બંને ભાઇઓના પ્રાણ પખેરૂ ઉડી જતા પરિવાર પર આભ તૂટી પડ્યું
પિતા કરમશીભાઇ લેંબાભાઇ પોતાના બંને દિકરાઓ રોહિત અને નિર્મલને શોધવા નીકળ્યાં હતા. જ્યાં ગામના તળાવ (ડેમ) પાસેથી બંને દિકરાઓના કપડા અને ચપ્પલ મળી આવ્યાં હતા. આથી એના પિતા સહિતના પરિવારજનો દ્વારા બંને પુત્રોની તળાવમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદમાં બંનેને તળાવમાં કાદવમાં ખૂંચી ગયેલી હાલતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં મોટા દિકરા રોહિતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે નાના દિકરા નિર્મલમાં થોડો જીવ હોવાનું જણાતા બંને ભાઇઓને તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર મળે એ પહેલા જ બંને ભાઇઓના પ્રાણ પખેરૂ ઉડી જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. સવલાસના રબારી સમાજના બે દિકરાઓના એકસાથે કમકમાટીભર્યા મોતથી પરિવારજનોમાં રોકકળ આક્રંદથી વાતાવરણમાં ગમગિની છવાઇ જવા પામી હતી.

ડુબતા પહેલા બન્નેએ એકબીજાને બચાવવા પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ
પાટડી તાલુકાના સવલાસ ગામના કરમશીભાઇ આલ (રબારી)ના બંને દિકરા રોહિત અને નિર્મલનું તળાવમાં ડુબી જતા મોત નિપજવાની ઘટના બની હતી. જેમાં બંને સગા ભાઇઓની લાશને બહાર કાઢતા બંનેની લાશ હાથ પકડેલી હાલતમાં મળી આવતા બંને ભાઇઓએ તળાવમાં ડુબતા પહેલા એકબીજાને બચાવવા પુરતો પ્રયત્ન કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. જેમાં તળાવમાં ડુબતા પહેલા બંને બાળકોનો પિતા પાસે રમતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...