લીંબડી-સુરેન્દ્રનગર હાઈવે પર ટ્રેક્ટર તથા ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રેકટરમાં સવાર વઢવાણના યુવાનનું મોત થયું હતુ. જ્યારે લીંબડી-રાણપુર હાઈવે રોડ પર આઈસર ચાલકે બાઈકને અડફેટે લેતાં મોજીદડના યુવકનું મોત થયું હતુ.
આ બન્ને ઘટનામાં કુલ 2 વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર બન્ને વાહનના ચાલકો ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. લીંબડી-સુરેન્દ્રનગર હાઈવે પર અંકેવાળિયા ગામ પાસે ટ્રેક્ટર તથા દૂધથી ભરેલું ટેન્કર ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં ટ્રેક્ટરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. જ્યારે દૂધથી ભરેલું ટેન્કર ગલોટ્યા ખાઈને રોડ નીચે ખાડામાં ઉતરી ગયું હતું. ટ્રેક્ટરમાં સવાર વઢવાણમાં આવેલ મૂળીવાસમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે ચેતનસિંહ ડોડિયા તથા મહાવીરસિંહ દિલીપસિંહને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ભાગી ગયો હતો. ઘાયલ લોકોને સારવાર અર્થે લીંબડી તેમજ બાદમાં આગળની સારવાર માટે સુરેન્દ્રનગરમાં લઈ જવાયા હતા.
આ સારવાર દરમિયાન કુલદીપસિંહ ડોડિયાનું કરૂણ મોત થયું હતું. ચુડા તાલુકામાં આવેલા મોજીદડ ગામના મોજુભાઈ ઉર્ફે મહેશભાઈ જસમતભાઈ ડાંગરોચા બાઈક પર તેમની 4 વર્ષીય ભાણી ક્રૃપાલીને લઈ લીંબડી મુકવા માટે આવી રહ્યા હતા.
આ સમયે લીંબડી-રાણપુર રોડ પર પાંદરી ગામ પાસે માઈનોર કેનાલ નજીક કોઈ અજાણ્યા વાહને તેમના મોટરસાઈકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ભાગી ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં મહેશભાઈ ડાંગરોચા તથા ક્રૃપાલીને ઈજા પહોંચી હતી. જ્યાં ડોક્ટરે મહેશભાઈને મૃત જાહેર કર્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.