સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મોટા કેરાળામાં દૂધ મંડળીની રોકડ લૂંટવા બે શખ્સોએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું. જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ ફાયરીંગની ઘટનાના પગલે અફડાતફડી મચી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે.
બે શખ્સોએ વાન ઉપર ફાયરિંગ કરતા સનસનાટી મચી
સાયલા તાલુકાના વડીયા ગામની દૂધ મંડળીના રૂપિયા 2.75 લાખની રોકડ રકમ લૂંટવા માટે બે શખ્સોએ વાન ગાડી ઉપર ફાયરિંગ કર્યું હોવાનો ચોંકાવનારો બનાવ તાલુકાના મોટા કેરાળા નજીક બન્યો હતો. આ ઘટનામાં બાઇક લઇને ધસી આવેલા બે શખ્સોએ વાન ઉપર ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઇ હતી. જોકે, કોઇને ઇજા થઇ ન હતી. પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી છે. ફાયરિંગની ઘટના બનતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. સહકારી દૂધ મંડળી ચલાવતા શખ્સને લૂંટવાના પ્રયાસ માટે ફાયરિંગ કરાયુ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.
યુવાન બોનસ રૂપે મળતા રૂપિયા બેંકમાંથી લઈને જઇ રહ્યો હતો
સાયલા તાલુકાના વડીયા ગામનો દૂધ મંડળી ચલાવતો યુવાન બોનસ રૂપે મળતા રૂપિયા બેંકમાંથી લઈને જઇ રહ્યો હતો. ત્યારે સાંજના સમયે તેને લૂંટવાનો પ્રયાસ બાઇક લઇને ધસી આવેલા બે અજાણ્યા શખ્સોએ કર્યો હતો. તેમાં લૂટારૂઓએ ફાયરિંગ કર્યુ હતું. આ સનસનીખેજ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર સાથે લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.