મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે વર્ષ 2016માં જૂની અદાવતનું મનદુ:ખ રાખી બે આરોપીઓએ એક યુવાનની છરીના ઘા ઝીકી હીચકારી હત્યા કરી હતી. જે અંગેના કેસમાં આજે શુક્રવારે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા હત્યાના ગંભીર બનાવમાં મહત્વપૂર્ણ ચુકાદો આપી બંન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
માળીયાના મોટા દહીંસરા ગામે રહેતા અને ખેતીકામ કરતા વસુભાઈ જેસંગભાઈ મેયડ ગત તા. 26 એપ્રિલ, 2016ના રોજ રાત્રીના સમયે ઘરે વાળું કરી તેમના ભત્રીજા દિપકભાઈ ધીરુભાઈ મૈયડ તથા અન્ય વ્યક્તિઓ સાથે ગામના ઝાંપા પાસે બેઠા હતા. દરમિયાન રાત્રીના 11 વાગ્યાની આસપાસ તેમના જ ગામના દિવ્યરાજસિંહ જયુભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભાઈ જાડેજા ત્યાં આવી દીપકભાઈને થોડે દુર લઈ જઈ પાંચ વર્ષ પહેલાં થયેલી માથાકૂટનો ખાર રાખી દીપકભાઈ ઉપર છરી વડે તૂટી પડ્યા હતા.
છરીના ઘા ઝીંકતા દીપકભાઈએ રાડારાડી કરતાં વસુભાઈ જેસંગભાઈ મૈયડ તથા અન્ય લોકો ત્યાં દોડી ગયા હતા. પણ બંન્ને આરોપીઓ દીપકભાઈ પર છરીથી જીવલેણ હુમલો કરીને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા દિપકભાઈ ધીરુભાઈ મૈયડનું મોત નિપજતાં બનાવ હત્યામાં ફેરવાયો હતો.
ભત્રીજાના હત્યાના બનાવ અંગે કાકા વસુભાઈ જેસંગભાઈ મૈયડએ જે તે સમયે ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને આરોપીઓને પકડી જરૂરી કાર્યવાહી કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. દરમિયાન આ હત્યાનો કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ મોરબીમાં ચાલી જતા સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો તેમજ 32 દસ્તાવેજી પુરાવા અને 20 મૌખિક પુરાવાને ધ્યાને લઇ જજ એ.ડી. ઓઝાએ બંન્ને આરોપી દિવ્યરાજસિંહ જયુભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભાઈ જાડેજાને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.