હળવદ પંથકમાં આજે ડૂબી જવાની બે ઘટનાઓમાં ત્રણ માસૂમોનાં મોત નીપજ્યાં હતાં. હળવદ તાલુકાના દેવળીયા ગામે આજે બુધવારે બે માસુમ બાળકોના પાણીની ટાંકીમાં ડુબી જવાથી અકાળે મોતની ઘટનાથી પરિવારજનોમાં રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઉપરાંત હળવદના સુર્યનગરમાં વાડીએ પાણીની કૂંડીમાં ડુબી જતા અન્ય એક માસુમ બાળકનું મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં યમરાજે ડેરાતંબુ નાખ્યા હોય તેમ દીવાલ પડવાથી ત્રણ વ્યક્તિના અને ટ્રેક્ટર પલ્ટી જતાં બે મહિલાનાં મૃત્યુની ઘટના બની હતી. જેના બાદ આજે બુધવારે હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં ખેતમજૂરના બે બાળકોનું વાડીમાં આવેલી પાણીની કુંડીમાં ડૂબી જતા મૃત્યુ નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
સૂત્રો અનુસાર હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ પરમારની વાડીએ અશોકભાઇ સરદારભાઇ માવડા (ઉ.વર્ષ- 3) અને ઋષિભાઇ સરદારભાઇ માવડા (ઉ.વર્ષ- 5) નામના બે બાળકોનું અચાનક પાણીની ટાંકીમાં અકસ્માતે પડીને ડુબી જતાં કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યુ હતું. આ ઘટના અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે હળવદ તાલુકાના દેવળીયા ગામે બે માસુમ બાળકોના પાણીની ટાંકીમાં ડુબી જવાથી અકાળે મોતની ઘટનાથી પરિવારજનોમાં રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
વધુ એક બાળકનો ભોગ લેવાયો
આજે બુધવારે સવારે હળવદના સૂર્યનગર ગામે ખેત શ્રમિકનો એક વર્ષનો માસુમ બાળક રમતા-રમતા કુંડીમાં પડી જતા બાળકનું મૃત્યુ નિપજતાં ખેત શ્રમિક પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. સૂર્યનગર ગામે ઠાકરશીભાઈ પરમારની વાડીએ ખેત મજૂરી કરતા છોટા ઉદેપુરના અંબા ગામના વતની ગીરીશભાઈ રાઠવાનો એક વર્ષનો પુત્ર આજે સવારે વાડીમાં રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.